‘ભાજપ ચૂંટણી જીતતી નથી ચોરી કરે છે’, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેજરીવાલનું નિવેદન
ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે રિટર્નિંગ ઓફિસરના પરિણામને રદ્દ કરી AAPના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. આ સાથે કોર્ટે રિટર્નિંગ ઓફિસર સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આમ આદમી પાર્ટીએ તેને લોકશાહીની જીત ગણાવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું.
પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, આજે ચંદીગઢના મેયરની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આપણે બધાએ જોયું કે કેવી રીતે ચંદીગઢની ચૂંટણીમાં સ્પષ્ટ હતું કે 20 મત ‘INDIA’ ગઠબંધનના હતા, 16 મત ભાજપના હતા. કેવી રીતે ‘INDIA’ ગઠબંધનના 20માંથી આઠ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા અને કોંગ્રેસ-આપ સંયુક્ત ઉમેદવાર કુલદીપ કુમારને પરાજિત જાહેર કરવામાં આવ્યા અને ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ‘INDIA’ ગઠબંધનની મોટી અને પ્રથમ જીત છે. ભાજપે આ ચૂંટણી અને મતો ચોરી કરી લીધા હતા. પરંતુ અમે હાર ન માની. અમે લડતા રહ્યા અને અંતે અમે જીત્યા. ભાજપને એકતાથી હરાવી શકાય છે. આ ચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું છે. ‘INDIA’ ગઠબંધન લોકોને અભિનંદન આપું છું. આ ચંદીગઢના લોકોનો વિજય હતો.
આખા દેશે જોયું કે ભાજપે આ ચૂંટણી કેવી રીતે ચોરી લીધી. આ ચૂંટણીમાં કુલ 36 મત હતા. જે પૈકી ભાજપે 8 મતની ચોરી કરી હતી. એટલે કે 25 ટકા મતની ચોરી કરી હતી. દેશમાં થોડા જ દિવસોમાં લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. જેમાં 90 કરોડ મત છે. જો તેઓ 36માંથી 25 ટકા મતની ચોરી શકે છે તો 90 કરોડ વોટમાંથી કેટલા મતની ચોરી કરશે, એ વિચારીને પણ આત્મા કંપી ઉઠે છે.
ચંદીગઢમાં AAPના ઉમેદવાર કુલદીપ કુમાર મેયર બનશે..
સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણી પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે આદેશ આપ્યો છે કે મેયરની ચૂંટણીમાં અમાન્ય જાહેર કરાયેલા આઠ બેલેટ પેપર માન્ય ગણવામાં આવશે. જે બાદ આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને મેયર જાહેર કરવામાં આવ્યા હતા.
સીજેઆઈની બેન્ચ સમક્ષ સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિંગ ઓફિસરે કબૂલાત કરી હતી કે તેણે જ બેલેટ પેપર પર ક્રોસ લગાવ્યો હતો. રિટર્નિંગ ઓફિસરની પૂછપરછ કર્યા બાદ કોર્ટે તમામ અસલ વિડિયો રેકોર્ડિંગ અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો માંગ્યા હતા, જે કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રિટર્નિંગ ઓફિસરના વીડિયો અને બેલેટ પેપર પણ કોર્ટ રૂમમાં જમા કરાવવામાં આવ્યા હતા.