
હરિયાણાના નૂહ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના કેસમાં બિટ્ટુ બજરંગીની પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. બિટ્ટુ બજરંગી બજરંગ દળ સાથે જોડાયેલો હોવાની ચર્ચા હતી. ત્યારે હવે વિશ્વ હિંદુ પરિષદે બિટ્ટુ બજરંગી સાથે સંગઠનનો કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે બજરંગ દળ એ VHPની યુવા પાંખ છે. VHPએ એક ટ્વીટમાં કહ્યું, “રાજ કુમાર ઉર્ફે બિટ્ટુ બજરંગી, જે બજરંગ દળનો કાર્યકર હોવાનું કહેવાય છે, તેનો ક્યારેય બજરંગ દળ સાથે કોઈ સંબંધ રહ્યો નથી. વિશ્વ હિંદુ પરિષદ પણ તેમના દ્વારા કથિત રીતે બહાર પાડવામાં આવેલ વીડિયોને યોગ્ય માનતી નથી.” પોલીસે જણાવ્યું હતું કે 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાના સંબંધમાં મંગળવારે બિટ્ટુ બજરંગીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તાવડુની ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચની ટીમે ગોરક્ષા બજરંગ ફોર્સ નામના સંગઠનના પ્રમુખ બજરંગીને ફરીદાબાદથી અટકાયતમાં લીધો હતો અને પછી તેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે.
નુહ પોલીસના પ્રવક્તાએ બાદમાં જણાવ્યું હતું કે બિટ્ટુ બજરંગીની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને બુધવારે તેને શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બજરંગી અને તેના સાથીઓએ 31 જુલાઈના રોજ મુસ્લિમ બહુમતી ધરાવતા નૂંહમાં વિહિપના સરઘસ દરમિયાન ગેરકાયદેસર હથિયારો પહોંચાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બજરંગી છેલ્લા ત્રણ વર્ષથી ગૌ રક્ષા જાગ્રત જૂથ ચલાવી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ, તેના પર ધાર્મિક લાગણી ભડકાવવાના ત્રણ કેસમાં કેસ નોંધવામાં આવ્યા હતા.










