
હરિયાણાના નુહમાં VHPની બ્રજમંડલ જલાભિષેક યાત્રા પર હુમલા દરમિયાન ટોળાએ નૂહના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM)ના વાહન પર હુમલો કર્યો અને તેને આગ ચાંપી દીધી. જો કે, જજ અને તેમની ત્રણ વર્ષની પુત્રી આ હુમલામાં બચી ગયા હતા. એફઆઈઆરમાંથી આ વાત સામે આવી છે.
મંગળવારે નૂહ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે હુમલાખોરોએ સોમવારે એસીજેએમ અંજલિ જૈનના વાહન પર પથ્થરમારો કર્યો અને ગોળીબાર કર્યો, જેના કારણે તે અને તેની પુત્રીએ પોતાનો જીવ બચાવવાં ભાગવું પડ્યું. ન્યાયાધીશ, તેમની પુત્રી અને સ્ટાફને નૂહના જૂના બસ સ્ટેન્ડ પર એક વર્કશોપમાં આશરો લેવો પડ્યો હતો, જેને પાછળથી કેટલાક વકીલોએ બચાવી લીધા હતા. ટેકચંદની ફરિયાદ પર અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
FIR મુજબ, ACJM, તેમની ત્રણ વર્ષની પુત્રી અને બંદૂકધારી સિયારામ સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે તેમની ફોક્સવેગન કારમાં દવાઓ ખરીદવા નલહારની SKM મેડિકલ કોલેજ ગયા હતા. બપોરે 2 વાગ્યાની આસપાસ, જ્યારે તે મેડિકલ કોલેજથી પરત ફરી રહી હતી, ત્યારે દિલ્હી-અલવર રોડ પર જૂના બસ સ્ટેન્ડ પાસે લગભગ 100-150 તોફાનીઓએ તેમના પર હુમલો કર્યો હતો.
એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે- ‘તોફાનીઓ તેમના પર પથ્થરમારો કરી રહ્યા હતા. કેટલાક પત્થરો કારના પાછળના કાચ પર અથડાયા હતા અને તોફાનીઓએ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. અમે ચારેય જણા કાર રસ્તા પર છોડી જીવ બચાવવા ભાગ્યા. અમે જૂના બસ સ્ટેન્ડમાં એક વર્કશોપમાં છુપાયા હતા અને બાદમાં કેટલાક વકીલોએ તેમને બચાવ્યા હતા. બીજા દિવસે જ્યારે હું કાર જોવા ગઈ ત્યારે મને ખબર પડી કે તોફાનીઓએ તેને સળગાવી દીધી છે.










