
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની સંપત્તિ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરવામાં આવી હતી. EDએ કથિત બેંક લોન ફ્રોડ કેસમાં નરેશ ગોયલ, તેના પરિવારના સભ્યો અને ભારત, લંડન અને દુબઈમાં આવેલી કંપનીઓની રૂ. 503 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
અટેચ કરેલી મિલકતોમાં 17 રહેણાંક ફ્લેટ, બંગલા અને કોમર્શિયલ જગ્યાનો સમાવેશ થાય છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના વિવિધ શહેરોમાં લંડન અને દુબઇમાં આવેલી આ મિલકતો જેટ એરવેઇટ પ્રાઇવેટ લિમિટેડ અને જેટ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા અને પુત્ર નિવાનના નામે છે.
74 વર્ષીય નરેશ ગોયલની પીએમએલએ હેઠળ 1 સપ્ટેમ્બરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને એજન્સીએ મંગળવારે તેમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
આ અગાઉ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે ઇડી દ્વારા કરવામાં આવેલી તેમની ધરપકડ અને ૨૯ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડને અનધિકૃત, મનસ્વી અને ગેરકાયદે ગણાવી બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યા હતા. પીએમએલએ એક્ટ હેઠળ સ્પેશ્યલ કોર્ટ દ્વારા તેમને ૨૯ સપ્ટેમ્બર સુધીની જ્યુડિશ્યલ કસ્ટડી આપી તેના બીજા જ દિવસે ૭૪ વર્ષના નરેશ ગોયલે ૧૪ સપ્ટેમ્બરે બોમ્બે હાઇકોર્ટમાં આ ધરપકડને પડકારતી અરજી નોંધાવી હતી.
ઇડીએ તેમની પહેલી સપ્ટેમ્બર કેનેરા બેન્ક સાથે ૫૩૮ કરોડ રૂપિયાના છેતરપિંડી સબંધિત કહેવાતાં મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરી હતી. ૭૪ વર્ષના ગોયલે એરેસ્ટ મેમો અને રિમાન્ડ ઓર્ડરને પણ પડકારી દાવો કર્યો હતો કે તેમની સામે કાર્યવાહી કરવામાં કાનુની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. અરજીમાં જણાવાયું હતું કે પીએમએલએ એક્ટની કલમ ૧૯ હેઠળ ફરજિયાત જરૂરિયાતોનું પાલન કર્યા વિના જ આ ધરપકડ કરાઈ, તેથી તે નિરર્થક છે અને તેમને તત્કાળ છોડી દેવામાં આવે.










