
હવામાન વિભાગનું કહેવું છે કે, આવતીકાલ સુધીમાં બંગાળની ખાડીમાં નીચા દબાણની સ્થિતિ સર્જાશે જે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. આ ચક્રવાતનું નામ યમન દ્વારા સૂચવવામાં આવ્યું છે. તે Red Sea પરના બંદર શહેરના નામ પરથી ઉતરી આવ્યું છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 11 મેના રોજ તોફાન ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને ત્યાર બાદ તેની દિશા બદલાઈ શકે છે. તે મ્યાનમાર-બાંગ્લાદેશના તટ તરફ આગળ વધશે. આંધ્ર પ્રદેશ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી, આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે અને ત્યાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અનુમાન છે કે, દક્ષિણપૂર્વ બંગાળમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થઈ શકે છે.
આ વાવાઝોડું મ્યાનમાર-બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, તે 12 મે સુધીમાં દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝડાને જોતા ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.










