
કર્ણાટક સરકારે લઘુમતીઓને આપેલા ચાર ટકા અનામતને રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે તેમને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS હેઠળ સમાન રીતે વહેંચવામાં આવશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ માહિતી આપી હતી કે લઘુમતીઓનું ચાર ટકા અનામત અન્ય લોકો વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે. સાથે કર્ણાટકમાં વોક્કાલિગા અને લિંગાયત સમુદાયો માટેના હાલના આરક્ષણમાં ઉમેરવામાં આવશે.
કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં આ નિર્ણયને સરકારની ચૂંટણીનો દાવ કહેવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ કર્ણાટકમાં લિંગાયત આરક્ષણ હવે 5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવશે. આ સાથે વોક્કાલિગા સમુદાય માટે અનામત 4 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવશે. મુખ્યમંત્રીના સુત્રોના અનુસાર OBC મુસ્લિમો માટે ઉપલબ્ધ ચાર ટકા ક્વોટા વોક્કાલિગા અને લિંગાયત સમુદાયો વચ્ચે વહેંચવામાં આવ્યો છે. અગાઉ મુસ્લિમોને આ ક્વોટા આપવામાં આવ્યો હતો તેઓને હવે આર્થિક રીતે નબળા વિભાગો હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી હતી કે મુસ્લિમોને 10 ટકા EWS ક્વોટા પૂલમાં ખસેડવામાં આવશે. કર્ણાટકમાં મુસ્લિમો કેટેગરી 2B હેઠળ આવે છે. આ ફેરફાર બાદ મુસ્લિમોએ હવે EWS ક્વોટા સાથે સ્પર્ધા કરવી પડશે. આ ક્વોટામાં બ્રાહ્મણો, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્યનો સમાવેશ થાય છે.
વધુમાં બોમાઈએ જણાવ્યું કે, ધાર્મિક લઘુમતીઓને અનામત આપવાની બંધારણ હેઠળ કોઈ જોગવાઈ નથી. કોઈપણ રાજ્યમાં આવી જોગવાઈ આપવામાં આવી નથી. આંધ્ર પ્રદેશમાં, કોર્ટે ધાર્મિક લઘુમતીઓ માટે આરક્ષણને ફગાવી દીધું. ભીમરાવ આંબેડકરે પણ સ્પષ્ટ કહ્યું હતું કે અનામત જાતિઓ માટે છે.
વહેલા કે મોડા કોઈ ધાર્મિક લઘુમતીઓ માટે આરક્ષણને પડકારી શકે છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, લઘુમતીઓ માટે પણ શાબ્દિક અર્થમાં ઓબીસી અનામત મેળવવા માટે આર્થિક માપદંડો છે.










