
બાબા બાગેશ્વર ધામની ખ્યાતિ દેશ વિદેશ પહોંચી રહી છે. બાગેશ્વર ધામ નજીકથી લાશો અને હથિયાર મળવાનો સિલસિલો ચાલુ થયોછે. લાશો મળ્યા બાદ બાગેશ્વર ધામ પરિસરમાંથી પોલીસે દેશી બનાવટના કારતૂસ અને પિસ્તોલ સાથે એક યુવકની ધરપકડ કરી છે. આ બાબતે વધુ માહિતી આપતાં એસપી અમિત સાંઘીએ જણાવ્યું હતું કે રજ્જન ખાન (44) નામનો યુવક ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો છે. આરોપી મધ્યપ્રદેશના શિવપુરીની ઈન્દ્રા કોલોનીનો રહેવાસી છે.
આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો. પોલીસે તેની પાસેથી 315 બોરની પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા. હવે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે આરોપી અહી કેમ આવ્યો હતો. તેનો ઈરાદો શું હતો. આ ઘટના બાદ પોલીસ એલર્ટ મોડ પર છે.
મળતી માહિતી મુજબ, બાગેશ્વર ધામના પરિક્રમા સંકુલમાં લોકોને એક યુવક શંકાસ્પદ જણાયો હતો. સ્થળ પર હાજર લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકને પકડીને તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા.
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને સતત ધમકીઓ મળી રહી હતી. આ પછી સરકારે તેમને સુરક્ષા પૂરી પાડી હતી. બિહારમાં કથા કર્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી હતી. આ માંગ બિહારના IPS અને ભૂતપૂર્વ DG અરવિંદ પાંડેએ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.










