
ભ્રામક જાહેરાતો મુદ્દે પતંજલિ આયુર્વેદના કો-ફાઉન્ડર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે હવે ક્રિમિનલ કેસ ચાલશે. એક કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. આ કેસ કંપની દ્વારા કથિત રીતે ભ્રામક જાહેરાત પ્રકાશિત કરવા મામલે દાખલ કરવામાં આવ્યો હતો. 3 જૂનના રોજ આ મામલે આગામી સુનાવણી થશે.
આ કેસમાં બાબા રામદેવ અને બાલકૃષ્ણ વ્યક્તિગત રીતે હાજર રહેવાની પણ શક્યતા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા બંને જ સુપ્રીમ કોર્ટની અવમાનનાને લઈને કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
એપ્રિલ 2024માં ડ્રગ્સ ઈન્સ્પેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલ મામલે કેરળના કોઝિકોડમાં ફર્સ્ટ ક્લાસ મજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી થશે. ડ્રગ્સ એન્ડ મેઝિક રેમેડીઝ એક્ટ 1954ની કલમ 3 (બી) અને 3 (ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ તાજેતરમાં જ આદેશ આપ્યો હતો કે, પતંજલિની ભ્રામક જાહેરાત સાથે સબંધિત અવમાનના મામલે તેમની ઉપસ્થિતિ અનિવાર્ય છે.
પતંજલિ આયુર્વેદ અને તેના સ્થાપકોએ પોતાની જાહેરાતમાં કરવામાં આવેલા દાવા માટે અનેક કોર્ટમાં તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશ (IMA)એ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના કારણે પતંજલિની કેટલીક જાહેરાતો પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ખોટા દાવા માટે અવમાનના નોટિસ જારી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે જનતાને ગેરમાર્ગે દોરવા અને ગ્રાહકોના વિશ્વાસનો ફાયદો ઉઠાવવા બદલ પતંજલિની ટીકા કરી અને કંપનીને અખબારમાં માફીનામું પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પતંજલિ સામે 1945ના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રુલ્સ લાગુ ન કરવા માટે કેન્દ્ર સરકારને પણ આડેહાથ લીધી હતી.










