
હાલ ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. દર વર્ષ કરતા આ વખતે સૌથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરી ગત વર્ષોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. યાત્રાના માર્ગ પર કેટલાક સ્થળોએ ભીડ ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ છે. મળતા અહેવાલો મુજબ ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 64 શ્રદ્ધાળુના મોત થયા છે. આમાંથી કેદારનાથમાં 27, બદ્રીનાથમાં 21, યમુનોત્રીમાં 13 અને ગંગોત્રીમાં ત્રણ લોકોના મોત થયા છે.
10 મે-2024ના રોજ શ્રી કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ તેમજ 12 મેએ શ્રી બદરીનાથના કપાટ ખોલ્યા બાદ 23 મે-2024 સુધીમાં કુલ નવ લાખ 67 હજાર 302 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. યમુનોત્રી ધામમાં એક લાખ 79 હજાર 932, ગંગોત્રી ધામમાં 01 લાખ 66 હજાર 191, કેદારનાથ ધામમાં 04 લાખ 24 હજાર 242 અને બદરીનાથ ધામમાં 01 લાખ 96 હજાર 937 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.
આ વર્ષે વિતેલા વર્ષોની તુલનાએ લગભગ બમણી સંખ્યામાં શ્રદ્ધઆળુઓની ભીડ દર્શન કરવા આવી રહી છે. થોડા દિવસો પહેલા ગઢવાલના કમિશનરે કહ્યું હતું કે, ‘ચારધામ યાત્રામાં ભીડને નિયંત્રણ કરવા માટે જરૂર પડશે તો NDRF અને ITBPની મદદ લેવાશે.’ ચારધામ યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ચારધામની યાત્રા કરવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ (Pilgrims) ઉમટી પડતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તો બીજી તરફ મંદિર સમિતિએ પણ ભક્તોની ભીડના ધ્યાને રાખી મોડી રાત સુધી મંદિર ખુલા રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભીડ પર કાબુ મેળવવા પોલીસને પણ પરસેવો છુટી ગયો છે. કેદારનાથ યાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે બીજીતરફ મંદિરોમાં દર્શન કરવા માટે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. આ સાથે વહિવટીતંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ ભીડને કાબુમાં રાખવા અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે તમામ બાબત પર ધ્યાન રાખી રહી છે.
ચારધામ યાત્રાના દર્શન કરતા આવતા શ્રદ્ધાળુ (Pilgrims)ઓની સંખ્યા સતત વધી રહી છે. 10 મેએ શરૂ થયેલી યાત્રાના પહેલા 10 દિવસમાં ત્રણ લાખ 19 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતૂડીએ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા સાથે વર્ચુઅલ બેઠક યોજી હતી, જેમાં રતૂડીએ ચારધામ યાત્રાની માહિતી આપતા કહ્યું કે, ગત વર્ષની તુલનાએ આ વર્ષે યાત્રીઓની સંખ્યામાં યમુનોત્રીમાં 127 ટકા, કેદારનાથમાં 156 ટકાનો વધારો થયો છે.










