
નવી દિલ્હી: સંસદની એક સમિતિએ ચૂંટણી પંચ સહિત વિવિધ હિતધારકો સાથે પરામર્શ કરીને એક સાથે ચૂંટણી યોજવાના મુદ્દાની તપાસ કરી હતી. તેના પર અધિકારીઓનું કહેવું છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવા માટે ઓછામાં ઓછા પાંચ બંધારણીય સુધારા કરવા પડશે. આ સાથે મોટી સંખ્યામાં વધારાના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) અને પેપર ટ્રેલ મશીનની પણ જરૂર પડશે, જેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ થઇ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સમિતિએ આ સંબંધમાં કેટલીક ભલામણો કરી છે. તેમણે કહ્યું કે એકસાથે ચૂંટણી યોજવા માટે ‘વ્યવહારિક રૂપરેખા અને માળખું’ તૈયાર કરવા માટે આ મામલો હવે કાયદા પંચને મોકલવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એકસાથે ચૂંટણીઓ યોજવાથી સરકારી તિજોરીમાં મોટી બચત થશે અને વારંવાર ચૂંટણી યોજવામાં વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા તંત્રની કામગીરી ઓછી થશે. આનાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોને તેમના ચૂંટણી પ્રચારમાં નોંધપાત્ર બચત પણ થશે.
નોંધનીય છે કે સરકારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આનાથી લોકસભા ચૂંટણીના સમયને આગળ વધારવાની શક્યતાઓ માટે દરવાજા ખુલી ગયા છે, જેથી તે ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજી શકાશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે એકસાથે ચૂંટણી યોજવા માટે બંધારણના ઓછામાં ઓછા પાંચ અનુચ્છેદમાં સુધારાની જરૂર પડશે. તેમાં સંસદના ગૃહોની અવધિ સાથે સંબંધિત કલમ 83, રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાના વિસર્જનને લગતી કલમ 85, રાજ્યની વિધાનસભાઓની અવધિ સાથે સંબંધિત કલમ 172, રાજ્ય વિધાનસભાઓના વિસર્જનને લગતી કલમ 174 અને કલમ 356 જે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંબંધિત છે. આ ઉપરાંત ભારતની શાસન વ્યવસ્થાના સંઘીય માળખાને ધ્યાનમાં રાખીને, તમામ રાજકીય પક્ષોની સર્વસંમતિની પણ જરૂર પડશે. આના માટે વધારાની સંખ્યામાં EVM અને VVPAT (પેપર ટ્રેલ મશીન)ની પણ જરૂર પડશે, જેનો ખર્ચ ‘કરોડો રૂપિયા’ થાય છે.










