
કોર્ટમાં ઘણી વખત ઘણા રસપ્રદ મામલાઓ પ્રકાશમાં આવે છે અને સમાચાર બને છે. આ જ પ્રકારનો મામલો પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં 2 છોકરીઓએ એક-બીજા સાથે લગ્ન કરવાની પરવાનગી માંગ કરતી અરજી દાખલ કરી છે. ચંદીગઢના સેક્ટર-56માં રહેતી બે છોકરીઓએ હાઈકોર્ટમાં પોતાની અરજી દાખલ કરીને કહ્યું કે એક છોકરીનો પરિવાર બંનેના સંબંધોને લઈને ખુશ છે, જોકે બીજી છોકરીનો પરિવાર આ સંબંધમાં માનતો નથી. જેથી બંનેને લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવે.
આ અંગે હાઈકોર્ટે કહ્યું કે સમલૈંગિક લગ્ન ભારતમાં માન્ય નથી અને તેની સાથે જોડાયેલા ઘણા મામલા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યાં છે. એવામાં કોર્ટ બંનેને લીવ ઈનમાં સાથે રહેવાની પરવાનગી આપી શકે છે, જોકે લગ્ન કરવાની નહીં. આ છોકરીઓના વકીલ ધનવિંદર સિંહે કહ્યું કે કોર્ટે ચંદીગઢ પોલીસને પણ આદેશ આપ્યો છે કે બંને છોકરીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવે, કારણ કે અરજીમાં જે છોકરીનો પરિવાર રાજી નથી, તેનાથી બંનેએ પોતાના જીવને જોખમ હોવાની વાત કહી છે.










