
ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં શ્રીલંકાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 15.2 ઓવરમાં 50 રન જ બનાવીને ઓલઆઉટ થઈ હતી,જેના જવાબમાં ભારતીય ટીમે 51 રનનો ટાર્ગેટ 6.1 હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતની ટીમ 8મી વખત એશિયા કપમાં ચેમ્પિયન બની છે.
એશિયા કપ 2023ના ફાઈનલમાં શ્રીલંકાએ બાંગ્લાદેશનો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે. બાંગ્લાદેશનો ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર 58 રન હતો. વન-ડેમાં સૌથી ઓછો ઓવરઓલ સ્કોરનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. ઝિમ્બાબ્વેની ટીમ શ્રીલંકા સામે 2004માં 35 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી.
ભારત અને શ્રીલંકાની ટીમ 13 વર્ષ બાદ એશિયા કપના ફાઈનલમાં રમી રહી છે, આ પહેલા બંને દેશો સાત વાર ફાઈનલ રમી ચૂંક્યા છે જેમાં ભારતનો ચારમાં જ્યારે શ્રીલંકાનો ત્રણમાં વિજય થયો છે. ભારતીય ટીમ સાત વખત એશિયા કપની ચેમ્પિયન બની છે, છેલ્લે પાંચ વર્ષ પહેલા 2018માં રોહિત શર્માની આગેવાનીમાં ટ્રોફી પર કબ્જો કર્યો હતો.






