ભારતમાં હાઉસહોલ્ડ સેવિંગ 50 વર્ષના નીચા લેવલ પર, આંકડો ઘટવા પાછળનું મુખ્ય કારણ મોંઘવારી : RBI

કોઈ પણ દેશમાં લોકોની આવક વધી રહી છે કે ઘટી રહી છે. તેને માપવા માટે માથાદીઠ આવક જોવામા આવે છે. એટલે દેશના પ્રત્યેક વ્યક્તિની આવક કેટલી છે તેના આધારે ગણતરી કરવામાં આવે છે. આપણા દેશની વાત કરવામાં આવે તો ભારતના લોકોની આવક વધી રહી છે. પરંતુ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે કમાણી વધવાની સાથે સાથે લોકોના હાથમાં પૈસાની બચત રહેતી નથી. અથવા તો એમ કહી શકાય કે જે કમાય છે તે ઉડાવી દે છે. આવું અમે નથી કહી રહ્યા પરંતુ આ ખુલાસો ભારતીય રિઝર્વ બેંકના રિપોર્ટમાં આવ્યું છે.
ભારતીય રિઝર્વ બેંકની હાઉસહોલ્ડ એસેટ અને લાયબિલિટીઝનો તાજેતરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે ભારતમાં હાઉસહોલ્ડ સેવિંગ 50 વર્ષના નીચા લેવલ પર આવી ગયો છે. તેના કારણે લોકો દેવામાં ડુબી રહ્યા છે. પરિસ્થિતિ એવી થઈ છે કે લોકો બચત કરવાનું ભૂલી ગયા અને લોકો લોન લઈને પોતાના શોખ અને જરુરીયાતો પુરી કરી રહ્યા છે. આરબીઆઈનાં આંકડા પ્રમાણે વર્ષ 2022-23 દરમ્યાન ભારતની હાઉસહોલ્ડ સેવિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. હાલમાં હાઉસહોલ્ડ સેવિંગનો આ આંકડો ઘટીને 5.1 ટકા પર આવી ગયો છે.
આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે ભારતના GDP પ્રમાણે બચતના આંકડા જોઈએ તો નેટ સેવિંગ ઘટીને 13 લાખ કરોડની આસપાસ રહ્યુ છે. આ આંકડો છેલ્લા 50 વર્ષોમાં સૌથી ઓછો છે. તો શું લોકોની આવક ઘટી ગઈ છે.?? આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે બચતનો આંકડો ઘટવા પાછળનું મુખ્ય કારણ મોંઘવારી છે. વાસ્તવમાં લોકો વધતી મોંઘવારીના કારણે બચત કરી શકતા નથી. ઉલ્ટાની જરુરીયાત પુરી કરવા માટે લોન લેવાનો વારો આવે છે. આરબીઆઈના રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે લોકોની નાણાકીય જવાબદારીઓ ઝડપથી વધી રહી છે. જેના કારણે નાની-નાની વસ્તુઓ માટે લોનનો સહારો લેવાની જરુર પડે છે. વર્ષ 2021-22 માં નાણાકીય જવાબદારીઓ માત્ર 3.8 ટકા હતી, જે વર્ષ 2022-23મા વધીને 5.8 ટકા પર પહોંચી ગઈ છે. આજના સમયમાં લોકો જમીન, મકાન, દુકાન કે અન્ય વસ્તુ ખરીદવા માટે મોટા પ્રમાણમાં લોન લઈ રહ્યા છે. આ ઉપરાંત લોકો લગ્ન પાછળ તેમજ હનીમૂન જેવી લક્ઝરી કામ પાછળ પણ લોનનો સહારો લઈ રહ્યા છે. વાસ્તવમાં કોરોના બાદ લોકોનો વપરાશ વધી ગયો છે. એવું નથી લોકો કમાણી નથી કરી રહ્યા, પરંતુ લોકો કમાણી કરતાં ખર્ચ વધુ કરે છે.