
વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં 27 લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે, જેમાં 15 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. આ મામલો હવે ગુજરાત હોઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે,’બેદરકારીના કારણે નિર્દોષ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય.’
હાઇકોર્ટના એડવોકેટ એસોસિયેશનના પ્રમુખે હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, થોકબંધ લાઈફ જેકેટ હોવા છતા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ન હતા. શાળા સંચાલકોએ કોન્ટ્રાક્ટર પર આરોપ લગાવ્યો હતો કે લાઈફ જેકેટની માંગણી કરી હોવા છતાં અપાયા ન હતા. તો બીજી તરફ DEOએ પણ શાળાને આ બેદરકારી માટે જવાબદાર ઠેરવતા કહ્યું કે ‘પ્રવાસને લઈને કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. લાઈફ જેકેટ વગર બાળકોને હોડીમાં બેસાડવાની જરૂર ન હતી.’
વડોદરા હોડી દુર્ઘટનાને લઈને પોલીસ કમિશનર દ્વારા SITની રચના કરવામાં આવી છે. ઘટનાની તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જોઈન્ટ CP મનોજ નિનામા SITના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના મામલે 10 દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવામાં આવશે.
વડોદરામાં બનેલી આ દુર્ઘટના માટે જવાબદાર એવા 18 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોટ ચલાવનાર નયન ગોહિલ અને બોટના ગાર્ડ અંકિત પરમારની ધરપકડ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ત્રણ ભાગીદારોની પણ ધરપકડ કરવામાં આવશે. જોકે, કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે.