
સમગ્ર વિશ્વને આગામી જુલાઈ મહિનામાં આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. અલ નીનોની અસરને કારણે વિશ્વભરમાં તાપમાનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. વિશ્વ હવામાન સંગઠનએ અહેવાલ આપ્યો છે કે અલ નીનો હવે જુલાઈના અંત સુધીમાં આવી શકે છે. અલ નીનોને કારણે ગરમી સમગ્ર વિશ્વમાં પાયમાલીનું કારણ બનશે.
વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરના ગરમ થવાની સંભાવના વધી રહી છે જેને ‘અલ નીનો’ ગતિવિધિ કહેવામાં આવે છે અને તે ઉચ્ચ વૈશ્વિક તાપમાન સાથે સંકળાયેલ છે. જે ભારત સહિત સમગ્ર વિશ્વ પર તેની અસર પડશે. આબોહવા વિજ્ઞાનીઓનું કહેવું છે કે ફરી એકવાર અલ નીનો આવવાને કારણે વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડ વધારો થશે. ભારતમાં ચોમાસા પર પણ તેની અસર થવાની શક્યતા છે.
યુનાઇટેડ નેશન્સના વિશ્વ હવામાન સંગઠનએ અહેવાલ આપ્યો છે કે અલ નીનો હવે જુલાઈના અંત સુધીમાં આવી શકે છે. WMOએ એમ પણ કહ્યું છે કે જુલાઈમાં તેના આવવાની 60 ટકા અને સપ્ટેમ્બરના અંત સુધીમાં 80 ટકા સંભાવના છે. ભારતમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સંભાવના 70 ટકા સુધી છે. WMOના પ્રાદેશિક આબોહવા અનુમાન સેવા વિભાગના વડાએ જણાવ્યું હતું કે, તે સમગ્ર વિશ્વમાં હવામાન અને આબોહવા પ્રણાલીને બદલશે. આ અલ નીનોની ગતિવિધિ વર્ષ 1950 બાદ આ ત્રીજી વખત જોવા મળી છે.
IMDના મહાનિર્દેશકે કહ્યું હતું કે ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ સર્જાઈ શકે છે અને તેની અસર ચોમાસાના બીજા ભાગમાં જોવા મળી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે 1951-2022 વચ્ચેના તમામ વર્ષો જ્યારે અલ નીનો સક્રિય હતો તે તમામ વર્ષો ચોમાસાની દ્રષ્ટિએ ખરાબ ન હતા. તેમણે કહ્યું કે આ વર્ષે અલ નીનો અસરવાળા 15 વર્ષ હતા અને તેમાંથી 6માં સામાન્યથી લઈ સામાન્ય કરતા વધુ વરસાદ થયો હતો.










