
એક બાજુ શિયાળાની મોસમ ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ દેશમાં ફરી કોરોના કેસો વધતા લોકો ચિંતિત બન્યા છે. ગઈકાલે 335 નવા કેસ અને 5 લોકોના મોત નોંધાયા બાદ કેન્દ્ર અને વિવિધ રાજ્યોની સરકારો એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જારી કર્યા બાદ કર્ણાટક સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં 60 વર્ષથી વધુ વયના, બિમાર લોકો, સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ બહાર નિકળે ત્યારે માસ્ક પહેરવા જણાવાયું છે. ઉપરાંત લોકોને ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવા પણ કહેવાયું છે.
કેરળમાં કોરોનાનો સબ વેરિયન્ટ JN.1નો કેસ સામે આવ્યા બાદ મોટાભાગના રાજ્યોએ સાવધાની અને તેના ઉપાયો પર ધ્યાન વધાર્યું છે. આરોગ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે જણાવ્યું કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અમે તાજેતરમાં એક બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓ અને નિષ્ણાતો વચ્ચે કોરોનાને અટકાવવા અંગે ચર્ચા થઈ હતી. હાલ કેરળના લોકોની અવર-જવર પર કોઈ પ્રતિબંધ લગાવાયો નથી.
કેન્દ્ર સરકારે પણ કોવિડ-19ના નવો વેરિયન્ટ JN-1નો પ્રથમ કેસ સામે આવ્યા બાદ ગઈકાલે નવી ગાઈડલાઈન બહાર પાડી હતી. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોએ નિયમિત જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવા તેમજ તેનું નિરીક્ષણ કરવા આદેશ આપ્યો છે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR ટેસ્ટ સહિત દરેક જરૂરી ટેસ્ટ કરવા પણ સલાહ આપી છે. ઉપરાંત, જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG પ્રયોગશાળાઓમાં પોઝીટીવ સેમ્પલ મોકલવા પણ જણાવાયું છે.
સંક્રમણને કાબૂમાં લેવા ફરી એકવાર સામૂહિક ટેસ્ટ શરૂ કરવામાં આવશે. તેમજ જેમને શ્વાસની તકલીફ છે તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. હાલના સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર સમગ્ર દેશમાં 1800થી વધુ કોવિડ કેસમાં 1600થી વધુ કેસ કેરળમાંથી સામે આવ્યા છે. કેરળમાં કોવિડના કારણે 4 લોકોનું મૃત્યુ થતા કર્ણાટકે સાવચેતી રાખવાનું શરુ કર્યું છે. કેરળમાં કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 વિષે જાણકારી મળી છે. 8 ડિસેમ્બરે તિરુવનંતપુરમના કારાકુલમથી RTPCR પોઝીટીવ સેમ્પલ દ્વારા સબવેરિયન્ટની જાણકારી મળી હતી. તેમજ શનિવારે બે લોકો મૃત્યુ પામતા લોકોમાં ફરી કોરોનાને લઈને ડર જોવા મળી રહ્યો છે.
ગાઈડલાઈનમાં વૃદ્ધોને ખાસ સતર્ક રહેવા કહ્યું છે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમજ જેમને હૃદય રોગની સમસ્યા છે કે અન્ય કોઈ ગંભીર બીમારી છે તો તેમણે માસ્ક પહેરવું ફરજીયાત છે. આ ઉપરાંત હોસ્પિટલોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ કેરળ સાથે જે રાજ્યો સીમા ધરાવે છે તેમને પણ ખાસ સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.










