
આફ્રિકન દેશ મલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈને જઇ રહેલું સૈન્ય વિમાન ગુમ થઈ ગયું છે, મલાવી સરકારે કહ્યું કે આ ઘટના સોમવારે બની જ્યારે વિમાનનો રડારથી સંપર્ક તૂટી ગયો હતો. ટીમ પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી. સરકારી સૂત્રોએ ઉપરાષ્ટ્રપતિના મોતની આશંકા વ્યક્ત કરી છે.
સમાચાર એજન્સી રોયટર્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમા લશ્કરી વિમાનમાં સવાર હતા. આ વિમાને સોમવારે સવારે મલાવીની રાજધાની લિલોગ્વેથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં ઉપરાષ્ટ્રપતિ સિવાય અન્ય 9 લોકો સવાર હતા. પ્લેન સવારે મઝુઝુમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે પહેલા જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
વિમાન સાથે સંપર્ક નહી થવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિએ શોધ અને બચાવ કામગીરીનો આદેશ આપ્યો હતો. ટીમ પ્લેનને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેનું ચોક્કસ લોકેશન હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના બાદ મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ પોતાના બહામાસનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. આફ્રિકન પત્રકાર હોપવેલે કહ્યું કે તેમને સરકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ બચી જશે તેવી આશા ઓછી છે. તેમની પત્ની મેરી પ્લેનમાં સવાર ન હોવાની પણ પુષ્ટી કરવામાં આવી છે. તેઓ વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યા હતા અને થાકી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિના વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે ઉડાન ભરી હતી. ઉપરાષ્ટ્રપતિ સહિત કુલ 10 લોકો સવાર હતા. ઉપરાષ્ટ્રપતિ પર દેશમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ પણ લાગ્યા છે.