રશિયા-યુક્રેન યુદ્ધમાં ફાંસ પણ તેની સૈના ઉતારવા માટે તૈયાર
રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે. હજુ સુધી આ યુદ્ધનો કોઈ ઉકેલ આવ્યો નથી.

રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે. હજુ સુધી આ યુદ્ધનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ સ્થિતિ વચ્ચે ફ્રાંસમાં યુરોપના 20 નેતાઓનો મેળાવડો જામ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં તેમના સૈનિકોની તૈનાતીને ઈનકાર શકે નહીં. તેમણે કહ્યું કે ભવિષ્યમાં યુક્રેનને બચાવવા માટે આપણા સૈનિકોને મેદાનમાં ઉતારવા પડશે.
મેક્રોને કહ્યું કે યુક્રેનમાં સૈનિકો ઉતારવા પર હજુ સુધી કોઈ સહમતિ સધાઈ નથી, પરંતુ રશિયાની આક્રમકતાને જોતા આવું પગલું ભરવું પડી શકે છે. આ બેઠકમાં તેમણે યુક્રેનના વિસ્તારો પર રશિયાના કબજાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો આવું જ ચાલુ રહેશે તો રશિયા સંપૂર્ણપણે યુક્રેન પર પ્રભુત્વ જમાવી લેશે. આ પછી, અન્ય ઘણા દેશો માટે પણ પડકારનું વાતાવરણ ઉભું થઈ શકે છે.
તેમજ વધુમાં કહ્યું કે, રશિયાના વલણમાં મોટો બદલાવ આવ્યો છે. તે યુક્રેનમાં બને તેટલા પ્રાંતો કબજે કરવા માંગે છે. આ સિવાય તેની નજર માત્ર યુક્રેન પર જ નહીં પરંતુ અન્ય ઘણા દેશો પર પણ છે. તેથી રશિયા વિશ્વ માટે એક મોટા જોખમને આમંત્રણ આપી રહ્યું છે. આ બેઠકમાં જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ, યુકેના વિદેશ સચિવ લોર્ડ કેમરન, ડચ વડાપ્રધાન સામેલ હતા. આ ઉપરાંત અમેરિકા અને કેનેડાના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરી 2022ના દિને પુતિને સત્તાવાર ટીવી ઉપર રાષ્ટ્રજોગ પોતાના પ્રવચનમાં યુક્રેન વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી. યુક્રેનના 10 હજાર નાગરિકોનાં મોત થયાં છે જ્યારે 18,500 લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનનો દાવો છે કે રશિયાએ 3.92 લાખ સૈનિકો ગુમાવ્યા છે.