High Court : ‘દરેક વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાનો અધિકાર, પરિવાર મનાઈ ન કરી શકે’ : હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે લગ્ન બાદ પરિવાર દ્વારા અપાતી ધમકીઓનો સામનો કરી રહેલ નવદંપત્તિ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે નવયુગલને રાહત આપતા ચુકાદામાં કહ્યું કે, તમામ વ્યક્તિઓને પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો બંધારણીય અધિકાર (Marriage Act) છે. પરિવારના સભ્યો પણ આવા લગ્નના સંબંધોમાં વાંધો ન ઉઠાવી શકે. કોર્ટે અરજી કરનાર દંપત્તિને પોલીસ સુરક્ષા પુરી પાડવાનો આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાએ પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, આપણા નાગરિકોને સુરક્ષા પુરી પાડવી એ આપણી બંધારણીય જવાબદારી છે. અરજદારને પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર બંધારણ મુજબ સુરક્ષિત છે, જેને કોઈપણ રીતે નબળો ન પાડી શકાય. ન્યાયમૂર્તિએ કહ્યું કે, અરજદાર વચ્ચે લગ્નના તથ્યો અને તેઓ પુખ્ત હોવાના તથ્યોમાં કોઈ આશંકા નથી. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો પણ અરજદાર વચ્ચે થયેલા આ લગ્ન મામલે કોઈ વાંધો ન ઉઠાવી શકે.
અરજદારે જણાવ્યું કે, તેમણે પોતાના પરિવારજનોની મરજી વિરુદ્ધ એપ્રિલમાં લગ્ન કર્યા હતા, ત્યારથી તેઓ રાજીખુશીથી સાથે રહે છે, જોકે પરિવારજનો સતત ધમકીઓ આપી રહ્યા છે. અરજદારની વાત સાંભળી ન્યાયાધીશે નવદંપત્તિને સુરક્ષા પુરી પાડવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત અધિકારીને સમયસર તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે.