
અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ એસોસિએશનના તાજેતરના રિપોર્ટ અનુસાર ૧૨ જાન્યુઆરીએ સમાપ્ત થયેલા સપ્તાહમાં અમેરિકામાં લગભગ ૨૬૦૦૦ બાળકો કોરોનાથી સંક્રમિત મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલ અનુસાર ગત સપ્તાહની તુલનાએ આ આંકડો ઓછો છે પણ રજાઓ દરમિયાન કેસ વધવાની આશંકા વધી ગઈ છે.
ગત ૪ અઠવાડિયામાં જ તેમાંથી ૧ લાખ ૪૦ હજાર કેસ મળી આવ્યા હતા
મહામારીની શરૂઆત બાદથી દેશમાં લગભગ ૧૫.૩ મિલિયન(૧.૫૩ કરોડ) બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક અહેવાલ અનુસાર ગત ૪ અઠવાડિયામાં જ તેમાંથી ૧ લાખ ૪૦ હજાર કેસ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ફેલાયેલો કોરોના વેરિયન્ટ વધુ ચેપી છે.
દેશમાં દરેક વ્યક્તિ કોરોનાની લપેટમાં આવી શકે છેઃ વાયરોલોજિસ્ટ પાઉલો
અત્યાર સુધી જે લોકોને કોરોના થયો નહોતો તે પણ આ વેરિયન્ટને લીધે ચેપગ્રસ્ત થઈ રહ્યા છે. જાણકારો કહે છે કે આશરે ૮૦ ટકા અમેરિકી લોકોને જેમને અગાઉ કોરોના થયો હતો તે ફરી એકવાર આ વેરિયન્ટને લીધે ચેપગ્રસ્ત થઈ શકે છે. દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં વાયરોલોજિસ્ટ પાઉલો કહે છે કે હવે દેશમાં દરેક વ્યક્તિ કોરોનાની લપેટમાં આવી શકે છે. ભલે પછી તેણે વધારે સાવચેતી કેમ ન રાખી હોય. ભલે પછી તેમણે વેક્સિન લીધી હોય કે કોરોનાથી સંક્રમિત પણ થઈ ચૂક્યા હોય.










