Israel Hamas War : હમાસે દાવો કર્યો કે ઇઝરાયેલે ગાઝામાં અનેક હોસ્પિટલોને નિશાન બનાવી હુમલા કર્યા

ઈઝરાયેલે શુક્રવારે ગાઝાની અનેક હોસ્પિટલોને નિશાન બનાવી હતી. તેમજ ઈઝરાયેલની સેના ગાઝાના ગીચ શહેરી વિસ્તારમાં ઘુસી ગઈ છે જેના કારણે હમાસને વધુને વધુ નુકસાન થઈ રહ્યું છે. ઈઝરાયેલના હુમલા વચ્ચે મોટી સંખ્યામાં લોકો દક્ષિણી ભાગ તરફ વળ્યા હતા.
ન્યૂઝ એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે ઈઝરાયેલે આરોપ લગાવ્યો છે કે હમાસના આતંકવાદીઓ હોસ્પિટલોમાં છુપાયેલા છે, જેના કારણે હોસ્પિટલો પર હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે આતંકવાદીઓએ શિફા હોસ્પિટલ સંકુલને પોતાનું મુખ્ય કમાન્ડ સેન્ટર બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે શિફા હોસ્પિટલ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે અને તેની આસપાસ મોટી સંખ્યામાં લોકો રહે છે. તેથી એવું માનવામાં આવે છે કે હમાસે આ વિસ્તારમાં પોતાનો અડ્ડો જમાવી લીધો છે. એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલથી ત્રણ કિલોમીટરના અંતરે ઇઝરાયેલની સેના આવી હતી.
આતંકવાદી સંગઠન હમાસ દ્વારા સંચાલિત મીડિયા ઓફિસના વડા સલામા મારૌફે જણાવ્યું હતું કે ઇઝરાયેલે શુક્રવારે વહેલી સવારે શિફા કોર્ટયાર્ડ અને પ્રસૂતિ વિભાગને નિશાન બનાવ્યું હતું. તેણે આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ચીસો સંભળાય છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
દરમિયાન, વ્હાઇટ હાઉસે કહ્યું કે ગાઝામાં ‘ચાર કલાકના માનવતાવાદી યુદ્ધવિરામ’ના અમલને કારણે મોટી સંખ્યામાં લોકો ઉત્તર તરફ ભાગી ગયા છે. લોકો માટે અન્ય માર્ગ ખોલવાની પણ સહમતિ સધાઈ હતી.







