INTERNATIONAL

International : ઇરાકમાં લગ્ન સમારંભમાં ભીષણ આગ : 100નાં મોત, 150 ઘાયલ

મોસુલ : ઇરાકમાં ખ્રિસ્તીઓના એક લગ્ન સમારંભમાં આગ લાગવાથી ૧૦૦ લોકોનાં મોત થયા છે. જ્યારે ૧૫૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.

આ આગ ઇરાકના નિનેવેહ પ્રાંતમાં હમદાનિયા વિસ્તારમાં લાગી હતી. આ વિસ્તાર ખ્રિસ્તીઓની બહુમતીવાળો વિસ્તાર છે. આ વિસ્તાર મોસુલની બહાર આવેલો છે અને બગદાદથી ૩૩૫ કિમી ઉત્તર પશ્ચિમમાં આવેલો છે.

સત્તાવાર રીતે આગનું કારણ દર્શાવવામાં આવ્યું નથી. જો કે ટેલિવિઝન પર બતાવવામાં આવી રહેલા ફૂટેજમાં સમગ્ર મેરેજ હોલ આગની જ્વાળાઓમાં લપેટાયેલુ જોવા મળી રહ્યું હતું. ચારેબાજુ આગમાં નાશ પામેલ વસ્તુઓ જોઇ શકાતી હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તે પૈકી કેટલાકને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ઘાયલો માટે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સાક્ષીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦.૪૫ વાગ્યે આગ લાગી હતી તે સમયે અનેક લોકો ત્યાં ઉજવણી કરી રહ્યાં હતાં.

૫૦ વર્ષીય ફાતેન યોસેફે જણાવ્યું હતું કે વર અને કન્યાએ ધીમે ધીમે નૃત્ય કરવાનું શરૂ કર્યુ તે સમયે આગ લાગી હતી. પ્લાસ્ટિકથી કરવામાં આવેલા ડેકોરેશનને કારણે આગથી ઝડપથી પ્રસરી ગઇ હતી.

તેમણે જણાવ્યું હતું કે તેમનું પરિવાર રસોડાના માર્ગે બહાર નીકળવામાં સફળ રહ્યું હતું. મેરેજ હોલના માલિક ચોની નાબુએ આ ઘટના અંગે કોઇ પણ ટિપ્પણ કરવાનો ઇનકાર કર્યો હતો.

 

[wptube id="1252022"]
Back to top button