
એટલાન્ટા: અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એટલાન્ટામાં આવેલી ફ્રુલ્ટન કાઉન્ટી જેલમાં ગુરુવારે શરણે થયા હતા. જયોર્જિયામાં ૨૦૨૦માં થયેલી ચૂંટણીમાં હાર મળ્યા પછી તેમણે પરિણામ સામે પ્રશ્ર્નાર્થ ઉઠાવવા બદલ તેમની સામે ૧૩ ગંભીર ગુના નોંધાવવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ આ જેલમાં ૨૦ મિનિટ રહ્યાં હતાં અને ત્યારબાદ તેમને બે લાખ અમેરિકન ડૉલરના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા, તેમને જામીન આપતાં અગાઉ કેટલીક શરત પણ મૂકવામાં આવી હતી
હોલીવૂડની કોઇ ફિલ્મમાંથી સીધી ઉઠાંતરી કરવામાં આવ્યા હોય એવા દૃશ્યો ફ્રુલ્ટન કાઉન્ટી જેલમાં ભજવાયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ એક પ્રાઇવેટ જેટ દ્વારા એટલાન્ટા પહોંચ્યા હતા અને ત્યાર પછી કાળા કલરની એસયુવીના કાફલા સાથે તેઓ જેલ પહોંચ્યા હતા. તેઓ જેલ પહોંચ્યા એ અગાઉ ત્યાંની ગલીઓ ખાલી કરાવવામાં આવી હતી અને મોટરસાયકલ પર સવાર ડઝનેક પોલીસોએ મીડિયાને ત્યાં આવતાં રોકયા હતા. જોકે, ન્યૂઝ ચેનલના હેલિકોપ્ટરોએ ટ્રમ્પના આ જેલ સુધીના પ્રવાસનું જીવંત પ્રસારણ નેશનલ ટેલિવિઝન પર કર્યું હતું. આ ફુલ્ટન કાઉન્ટી જેલ સૌથી બદનામ જેલ ગણાય છે.
ટ્રમ્પે આ જેલમાં ૨૦ મિનિટ વિતાવી હતી અને એ દરમિયાન તેમણે જેલની ઔપચારિકતા પૂર્ણ કરી હતી. ટ્રમ્પને કેદી નંબર પી૦૧૧૩૫૮૦૯ ફાળવવામાં આવ્યો હતો. એક કેદી તરીકે તેમની સ્લેટ સાથે તસવીર પણ લેવામાં આવી હતી. જેમાં વિગતો દર્શાવવામાં આવી હતી કે ‘બ્લોન્ડ કે સ્ટ્રોબેરીવાળ ધરાવનારા, છ ફૂટ અને ત્રણ ઇંચની ઊંચાઇ અને ૨૧૫ પાઉન્ડનું વજન.
આ રીતે જેલમાં કેદીની તસવીર લેવામાં આવે છે, જેને ‘મગશોટ’ તરીકે ઓળખવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની ‘મગશોટ’ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી.
ફુલ્ટન જેલમાં તેમની ધરપકડ કરાયા પછી ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘ચૂંટણીને પડકારવાનો આપણને અધિકાર છે, પણ તેને અપ્રમાણિક ગણવામાં આવે છે.’ જેલમાંથી છૂટયા પછી ટ્રમ્પે એમ પણ કહ્યું હતુ કે, ‘હું એકદમ નિર્દોષ છું, મેં કાંઇ જ ખોટું કર્યું નથી.’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર એટલે કે ‘એક્સ’ પર લગભગ અઢી વર્ષે વાપસી કરી છે. તેમણે પોતાનો ‘મગશોટ’ ટ્વિટર પર અપલોડ કર્યો હતો.






