
આ દવા લીધા બાદ બે લોકોના મોત થયા છે અને 100થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. આ ઘટના બાદ દવા બનાવતી કંપની પર ઘણા સવાલો ઉભા થયા છે. કોબાયાશી ફાર્માસ્યુટિકલ નામની કંપનીએ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, દર્દીઓ બીમાર પડવાની ઘટના બાદ પાંચ પ્રકારની દવાઓ બજારમાંથી પાછી ખેંચવામાં આવી છે અને કંપની દવાઓની તપાસ કરી રહી છે. અમે દવાથી પ્રભાવિત થયેલા લોકોની માફી માંગીએ છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે આ દવાઓમાં બેની કોજી (લાલ રંગના ચોખામાંથી બનતુ તત્વ) નામનુ એક તત્વ નાંખવામાં આવે છે. જે કોલેસ્ટ્રોલનુ પ્રમાણ ઓછું કરતું હોવાનું મનાય છે પણ જાણકારોનું કહેવું છે કે, આ દવામાં કેમિકલ પણ ભેળવવામાં આવતું હોવાથી ઓર્ગન ડેમેજ થવાનો ડર રહેતો હોય છે.
દવાઓના કારણે મચેલા હાહાકાર બાદ જાપાનના આરોગ્ય મંત્રી નૂન નૂને કોબાયાશી ફાર્માસ્યુટિકલને વહેલી તકે તપાસનો અહેવાલ સરકારને સુપરત કરવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે સરકારે પોતાની એજન્સીઓને પણ સમગ્ર દેશમાં દવાના કારણે કેટલા લોકોને અસર થઈ છે, તેની જાણકારી એકત્રિત કરવા માટે કહ્યું છે.
જાપાનમાં દવાને લઈને મચેલા હોબાળા બાદ કોબાયાશી ફાર્માસ્યુટિકલના શેરોના ભાવમાં પણ કડાકો બોલ્યો છે.










