INTERNATIONAL

‘જે તાઇવાનનું સમર્થન કરશે તેનું અમે માથું ફોડી નાખીશું’ : ચીનની ધમકી

દુનિયાભરના તજજ્ઞો માને છે કે ચીન તાઇવાન ઉપર કબજો જમાવવાની પૂરી તૈયારી કરી રહ્યું છે. તે ગમે ત્યારે તેવો પ્રયત્ન કરી શકે તેમ છે. ચીન સતત તાઇવાનની ફ્રન્ટપોઝિશન અને ચીની તટ આસપાસ રહેલાં તાઇવાની પોસ્ટ પર હુમલા કરી જ રહ્યું છે. તે તાઇવાન ઉપર કબજો જમાવવાની ધમકી આપી રહ્યું છે. આથી તજજ્ઞો ભીતિ સેવે છે કે ત્રણેક વર્ષમાં જ ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે, જેના પગલે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે. આ વચ્ચે ચીને ગુરૂવારે આખી દુનિયાને ધમકી આપી છે. ચીને કહ્યું કે, તાઇવાનની સ્વતંત્રતાનું સમર્થન કરનારાઓનું ‘માથું ફોડી નાખવામાં આવશે અને લોહી વહેશે.’ સ્વ-શાસિત ટાપુની આસપાસ તેના સૈન્ય અભ્યાસનો ઉદ્દેશ્ય ‘ગંભીર ચેતવણી’ આપવાનો છે. તાઇવાનની નૌસેનાએ ચીનના યુદ્ધાભ્યાસનું ચિત્ર શેર કર્યું છે.

હાલમાં જ તાઇવાનના નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગે પદના શપથ લીધા છે, આ દરમિયાન તેમણે પોતાના 30 મિનિટના ભાષણમાં ચીનને આકરી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ચીન હવે તાઇવાનને ધમકાવવાનું બંધ કરી દે. તેમણે તાઇવાન સમુદ્રધુનિમાં શાંતિ બનાવી રાખવાની વાત કરી હતી અને તાઇવાનમાં લોકશાહીની રક્ષા કરવાના સોગંદ ખાધા હતા, ત્યારબાદથી ચીન ગુસ્સે ભરાયું છે.

AFPના રિપોર્ટ અનુસાર, તાઇવાન કોસ્ટ ગાર્ડે ઉત્તર તાઇવાનના કિનારાથી દૂર પેંગજિયા દ્વીપના ઉત્તર-પશ્ચિમનું એક ચિત્ર શેર કર્યું છે, જેમાં ચીનનું સૈન્ય જહાજ નજરે પડી રહ્યું છે. AFPએ જણાવ્યું કે, ચીને યુદ્ધ અભ્યાસ હેઠળ નૌસેનાના જહાજો અને સૈન્ય વિમાનોથી તાઇવાનને ઘેરી લીધું, જેનો ઉદ્દેશ્ય સ્વ-શાસિત દ્વીપને સજા કરવાનો હતો. કારણ કે તાઇવાનના નવા રાષ્ટ્રપતિએ લોકશાહીની રક્ષા કરવાના સોગંદ ખાધા હતા.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને તાઇવાન દ્વીપની ચોતરફ ચીની સૈન્ય અભ્યાસને ‘ગંભીર ચેતવણી’ ગણાવી છે. તેમણે કહ્યું કે, ચીન જ્યારે તાઇવાનને સમગ્ર રીતે પોતાના કબજામાં લેશે તો તાઇવાનની સ્વતંત્રતાની માંગ કરનારાઓનું માથું ફોડી નખાશે. આ દરમિયાન ચોતરફ માત્ર લોહી વહેશે.

જોકે, ચીન હંમેશાથી તાઇવાનને ચીનનો હિસ્સો માને છે. ચીન તાઇવાનને ક્યારે અલગ રાષ્ટ્રની માન્યતા નથી આપવા માંગતું. બીજી તરફ તાઇવાનના લોકો ઇચ્છે છે કે ચીન તેના પર પોતાના અધિકાર લગાવવાનું બંધ કરી દે. હવે ચીને નામ લીધા વગર આખી દુનિયાને ધમકી આપી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button