ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિકસિત ભારત@૨૦૪૭ અંતર્ગત ડૉ.ભૈરવી દીક્ષિતનું વ્યાખ્યાન યોજાયું

ભારતના લોકોમાં વિવિધતામાં રહેલી એકતા જ દેશની સાચી તાકાત છે : કુલપતિ પ્રો.(ડૉ.)ચેતન ત્રિવેદી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ ડો.હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ભારત@૨૦૪૭’ સમગ્ર રાજ્યમાં ‘યજ્ઞ’ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા પ્રેરિત ‘યજ્ઞ’ વ્યાખ્યાનમાળાના ભાગરૂપે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા વિકસિત ભારત@૨૦૪૭ અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના સંસ્કૃતના પ્રાધ્યાપક ડો.ભૈરવીબેન દીક્ષિતનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાનું ‘૨૦૪૭ નું વિકસિત ભારત’ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી અને સમાજોપયોગી વ્યાખ્યાન આપ્યું હતું.
તેઓએ યુવાભારતની અમાપ ક્ષમતાઓ, ભારતનું ઇન્ફ્રાસ્ટ્રકચર વિશ્વના દેશો માટે વિવિધ રીતે ભારતમાં ઉત્પન્ન થનારી તકો, વિકસિત ભારતમાં યુવાનોનું યોગદાન, ભવિષ્યનું “વિશ્વગુરુ ભારત”, રાષ્ટ્રભાવના, ભારત અને ટેકનોલોજી,હેલ્થકેર ફેસેલીટીઝનું વિસ્તરણ, રમત-ગમત, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, જન ધન એકાઉન્ટસ, કોવીડ રસીઓ, ચંદ્રયાન, આબોહવા લક્ષયાંકો, ડીજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર વિગેરે વિષે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. સાથે સાથે હાજર રહેલ તમામ વિદ્યાર્થીઓને મોબાઈલ એપ દ્વારા પણ ‘વિકસિત ભારત અભિયાન’માં જોડીને વિદ્યાર્થીઓના વ્યુઝ ઓનલાઈન શેર કરવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારતના લોકોમાં વિવિધતામાં રહેલી એકતા જ દેશની સાચી તાકાત છે. ભારતમાં રહેલ વિવિધ સોર્સને રિસોર્સ બનાવીને વિકસિત ભારતમાં યોગદાન આપવું તે સૌની નૈતિક ફરજ હોવાનું કુલપતિશ્રીએ જણાવ્યું હતું. આજે ભારત સમગ્ર વિશ્વનો પ્રેરણાસ્ત્રોત છે ત્યારે ૨૦૪૭ ના વિકસિત ભારત માટે પાંચ બાબતો મહત્વની હોવાનું કુલપતિએ કહ્યું હતું, જેમાં ટકાઉ વિકાસ, ગ્લોબલ લીડરશીપ, ગુડ ગવર્નન્સ મોડલ, ટેકનોલોજી તથા જોબ સીકર નહિ પરંતુ જોબ ગીવર બનવુંનો સમાવેશ થાય છે.
કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમના કોઓર્ડીનેટર અને સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.(ડૉ.) જયસિંહ ઝાલાએ મહેમાનોનો પરિચય આપીને તેઓનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. અંતમાં આભારવિધિ અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રો.(ડો.)ફિરોઝ શેખે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન પ્રાધ્યાપક ડો.પરાગ દેવાણીએ કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ભવનોના અધ્યક્ષો તથા પ્રાધ્યાપકો સહીત રીસર્ચ સ્કોલર્સ અને ભવનના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.