
તા.૨૨/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વાહન ચાલકો માટે આઈ ચેકઅપ અને ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન અપાયું
Rajkot: આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે. સિવિક વેલ્યુ સાથે રોડ સેફટીના પાઠ વિદ્યાર્થીને ભણાવી ટ્રાફિક નિયમન જેવા અઘરા વિષયમાં તેઓની સમજ કેળવાય તે માટે આર.ટી.ઓ. વિભાગ દ્વારા વિવિધ શાળા-કોલેજમાં રોડ સેફટીના સેમિનારના આયોજન કરવામાં આવે છે.
વિભાગ દ્વારા ગત તા.૧૯ ના રોજ વિરાણી સ્કૂલ, રાજકોટમાં રોડ સેફ્ટી સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આર.ટી.ઓ. અધિકારી શ્રી કે.એમ. ખપેડ અને તેમની ટીમ દ્વારા બાળકોને વાહન ચલવતા સમયે હેલ્મેટ અને સીટબેલ્ટની આવશ્યકતા સમજાવી હતી. શ્રી જે.વી.શાહ દ્વારા ગુડ સેમેરિટર એટલે કે કોઈ ગંભીર અકસ્માત સમયે ઘાયલની મદદ કરી ગોલ્ડન અવર્સમાં તેઓને સારવાર મળી જાય તે માટે હોસ્પિટલ પહોંચવા મદદરૂપ બનવા સમજ આપવામાં આવેલ હતી.
આ ઉપરાંત આર. ટી. ઓ. કચેરી દ્વારા જનજાગૃતિના અન્ય કાર્યક્રમો અન્વયે જાહેર માર્ગો પર પસાર થતા વાહનો પાછળ રેડિયમ રીફલેકટર લગાડી વાહન ચાલકોને એની જરૂરિયાત સમજાવવામાં આવેલ હતી. અકસ્માત નિવારણ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ જેવી બાબતો કેળવી શકાય તે માટે ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આવી હતી જેથી કરીને. વાહન ચાલકો સુયોગ્ય રીતે વાહન ચલાવી શકે તે માટે શહેર ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. રાજકોટ ટીમ દ્વારા આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હોવાનું અધિકારી શ્રી ખપેડએ જણાવ્યું હતું .