
તા.૨૪ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અમદાવાદની નામાંકીત કંપનીમાં નિમણુક માટે ઉમેદવારોને સ્થળ પર જ અપાયા ઓફર લેટર
આઈ.ટી.આઈ.રાજકોટ દ્વારા આયોજિત ભરતી મેળામાં અમદાવાદની નામાંકિત કંપનીમાં ૨૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા આઈનોકસ વીન્ડ લી., રોહિકા, અમદાવાદ-રાજકોટ હાઇવે, બાવળા, અમદાવાદ માટે ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેઈની ટેકનીશીયન જેવા કે, ઈલેક્ટ્રીશીયન, ફિટર, ટર્નર, મશીનિસ્ટ, ડીઝલ મિકેનિક, ફેબ્રિકેશન, વેલ્ડર, પીપીઓ, મોટર મિકેનિક, વાયરમેન સહિતની જગ્યાઓ માટે યોજાયેલા આ રોજગાર ભરતી મેળામાં ૬૦ ઉમેદવાર હાજર રહ્યા હતા.
આ ભરતી મેળાની શરૂઆતમાં પ્રિ-પ્લેસમેન્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીનું સ્થળ, કંપની દ્વારા ઉત્પાદિત વસ્તુઓ, હોદ્દો, સેલેરી, કરવાની થતી કામગીરી સહીતની જરૂરી માહિતીઓની જાણકારી ઉમેદવારોને આપવામાં આવી હતી. ત્યાર બાદ હાજર ઉમેદવારોનાં રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ, લેખિત પરીક્ષા અને મૌખિક ઈન્ટરવ્યુ જેવી સ્ક્રીનીંગ પ્રક્રિયા કર્યા બાદ જરૂરી લાયકાત ધરાવતાં ૨૯ ઉમેદવારોની પસંદગી કરી કંપનીના પે રોલ પર સીધી ભરતી કરવામાં આવી હતી. કંપની દ્વારા પસંદગી પામેલ ઉમેદવારોને આઈ.ટી.આઈ રાજકોટ ખાતે જ કંપનીમાં નિમણૂક માટેના ઓફર લેટર આપવામાં આવ્યા હતા.
પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ છ માસ ટ્રેનીંગ દરમિયાન રૂ.૧૧,૫૦૦ પગાર આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ કંપનીના નિયમાનુસાર પગારધોરણ તેમજ રાહત દરે કેન્ટીન, ફ્રી ટ્રાન્સપોર્ટેશન, ફ્રી યુનિફોર્મ અને સેફટી શૂઝ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે તેમ આઈ.ટી.આઈ. રાજકોટનાં આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.