
તા.૨૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
“રોજીંદા જીવનમાં યોગવિદ્યાને વણીને કોરોના બાદની સ્વાસ્થ્ય સંબંધી ખામીઓ દુર કરીએ” મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા
નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગોંડલનાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી દ્વારા નિર્મિત ઐતિહાસિક એવી ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કુલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની રાજકોટ જિલ્લા કક્ષાની યોગમય ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ભારતીય સંસ્કૃતિમાં યોગવિદ્યાના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતને યોગ ઋષિમુનિઓ દ્વારા વારસામાં મળેલી અમૂલ્ય વિરાસત છે. સમગ્ર માનવજીવનના આરોગ્યની ચિંતા કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સયુંકત રાષ્ટ્ર મહાસંઘની સભામાં ૨૦૧૪માં યોગ દિવસ અંગે પ્રસ્તાવ મૂક્યો હતો અને આ પ્રસ્તાવ સ્વીકારીને ૨૧ જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી થયું, જેના ભાગરૂપે આજે ૭૨ હજારથી વધુ સ્થળોએ વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ૯માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી થઈ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા જનજનની સુખાકારી માટે ગુજરાત યોગ બોર્ડની પણ રચના કરવામાં આવી છે, જેના દ્વારા લોકોને યોગનું મહત્વનું સમજાવીને રોજીંદા જીવનમાં યોગ અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. કોરોના કાળે આપણને સમજાવ્યું કે તંદુરસ્ત સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે તેથી કોરોના બાદની સ્વાસ્થ્ય સંબંધી ક્ષતિઓને યોગના માધ્યમથી દૂર કરીએ અને સ્વસ્થ જીવન જીવીએ તેમ મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું હતું.

યોગસાધક દીપકભાઈ તળાવીયા, હેતલબેન ઠુંમર, જસ્મીનભાઈ લીલા દ્વારા પદ્માસન, વજ્રાસન સહિતના કોમન યોગ પ્રોટોકોલ મુજબનાં આસનોનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં એસ.આર.પી. ગ્રુપ, ગાયત્રી પરિવાર, પતંજલિ પરિવાર, રમાનાથ મંદિર સમિતિ, સ્વાધ્યાય પરિવાર, અક્ષર મંદિર સમિતિ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, દાસી જીવણ વિદ્યામંદિર, ડોકટર એસોસિયેશન, ઉદ્યોગ ભારતી સંસ્થા, આર્ટ ઓફ લિવિંગ, લિજ્જત પાપડ ગ્રુપ, ગ્રેટર લોહાણા સમાજ, સાયકલ ગ્રુપ સહિત વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી.
કાર્યક્રમનાં અધ્યક્ષશ્રી કુંવરજીભાઈ બાવળીયાનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન યશપાલસિંહ ગોહિલ તથા અશોક શેખડાએ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન રૈયાણી, ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાર્ગવભાઈ અંદિપરા, નગરપાલિકા કારોબારી ચરમેનશ્રી ઓમદેવસિંહ જાડેજા, ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેનશ્રી અશોકભાઈ પીપળીયા, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ.ઠુંમર, પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, ગોંડલ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.બી.ચૌધરી, જિલ્લા શિક્ષાધિકારીશ્રી બી.એસ.કૈલા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દિહોરા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સહિત સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, અનેકવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં યોગપ્રેમી નાગરિકો જોડાયા હતા.








