DANGWAGHAI

પ્રકૃતિનાં જાજરમાન દ્રશ્યો એટલે ડાંગનાં વઘઇ અને ગીરમાળનાં ગીરાધોધ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં વરસાદી મૌસમમાં વઘઇ અને ગીરમાળનો ગીરાધોધ પાણીની આવક સાથે સક્રિય બની સોળે કળાએ ખીલી ઉઠ્યા…. પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થયો છે.ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસાદ પડતા નદી,નાળા, વહેળાઓ,કોતરડા અને ઝરણાઓમાં ગતરોજથી પાણીની આવક વધી છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે જંગલ વિસ્તાર સહિત માર્ગોની સાઈડમાં આવેલ કુદરતી ઝરણાઓ પાણીની આવક સાથે ફૂટી નીકળતા દ્રશ્યો જાજરમાન બની ગયા છે.તેવામાં આજરોજ ડાંગ જિલ્લાની અંબિકા અને ગીરા નદીમાં પાણીની આવક વધતા વઘઇ નજીકનો મીની નાયગ્રા તરીકે ઓળખાતો ગીરાધોધ તેમજ ગીરા નદી પરનો ગીરમાળનો ગીરાધોધ પાણીની આવક સાથે સક્રિય બની સોળે કળાએ ખીલી ઉઠતા જાણે પ્રથમ દિવસે જ સૌ કોઈને સાદ પાડી બોલાવી રહ્યાનાં દ્રશ્યો પ્રતીત થયા હતા .સીઝનમાં પ્રથમ વખત વઘઇ અને ગીરમાળનાં નયનરમ્ય ગીરાધોધ પાણીની આવક સાથે સક્રિય બની જીવંત બનતા અહીના દ્રશ્યો જાજરમાન ભાસી રહ્યા છે.વઘઇ અને ગીરમાળનાં ગીરાધોધ ખાતે એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ડુંગરોની હારમાળામાં ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર તો ત્રીજી તરફ અંબિકા અને ગીરાનું ડહોળુ પાણી પથ્થરોને ચીરીને નીચે ખાબકતા અહીનાં સમગ્ર પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા વાળાને દિગમૂઢ બનાવી રહ્યા છે.વઘઇનો અપ્રિતમ ગીરાધોધ પાણીથી સક્રિય બની જીવંત બનતા પ્રથમ દિવસે જ આ નાયગ્રા ધોધને નિહાળવા માટે પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી.ચોતરફ પ્રકૃતિ અને ખળખળ કરતા વઘઇ નજીકનાં ગીરાધોધનાં દ્રશ્યો ફરવા આવેલ પ્રવાસીઓને પ્રાકૃતિક સૌંદર્યનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી આંખોને તાજગી બક્ષતા સૌ કોઈનાં મોઢે માત્ર એક જ ઉદગાર સાંભળવા મળી રહે છે કે “વાહ રે કુદરત આ તે કઈ રીતે સુંદરતાનો બેજોડ નમૂનો બનાવ્યો છે”.તેવીજ રીતે સિંગાણા નજીક ગીરા નદી પર આવેલ ગીરમાળનો ગીરાધોધ પણ આજરોજથી પાણીનાં નીર સાથે જીવંત થતા હવે ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ માટે આ બન્ને ગીરાધોધનાં નજરાણા જોવા મળી રહશે.

[wptube id="1252022"]
Back to top button