
તા.૨૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
મહિલાઓ સામે થતી ઘરેલુ કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર, છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સેલિંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે ૧૮૧ અભયમ ટીમ ૨૪ કલાક કાર્યરત છે. આ યોજના અન્વયે રાજકોટ ખાતે ૪૦ વર્ષની શારીરિક અને માનસિક અસ્વસ્થ મહિલાને ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા તેના પિયરે સુરક્ષિત પહોંચવામાં આવી હતી.
સારા ઘરની જણાતી એક મહિલા રસ્તા પર ગુમસુમ હાલતમાં સુતેલી મળી આવતા એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ્ હેલ્પલાઈન ઉપર ફોન કર્યો હતો, જેના અનુસંધાને ૧૮૧ અભયમ્ ટીમના કાઉન્સીલર વૈશાલી ચૌહાણ, કોન્સ્ટેબલ મુક્તાબેન અને ડ્રાઈવર બીપીનભાઈ ઘટના સ્થળે પહોચ્યા ત્યારે પીડિતા માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ જણાઈ હતી. વૈશાલીબેન દ્વારા લાંબા સમય સુધી કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે મહિલાને ૨ સંતાનો છે અને તેમના પતિ અને પુત્રએ ત્રણ મહિના પહેલાં તેમને ઘરેથી કાઢી મૂક્યા છે. ત્યાર બાદ મહિલા પિયરમાં રહેવા જતા રહ્યા હતા. મહિલાને ગેંગરીનની બીમારીના કારણે પગ કાળો પડતા પગ કપાવી નાખવો પડ્યો હતો. આના કારણે મહિલાને ચાલવામાં તકલીફ થતી તેમજ ઘરકામમાં મદદ કરી શકતા નહોતા. જેથી ભાભી સાથે ઘરકામ બાબતે ઝઘડા થતા હતા. પિયરમાં કોઈને જાણ કર્યા વગર પીડિતા ઘરેથી નીકળી ગયા હતા. આ ઉપરાંત વધુમાં જાણવા મળ્યું કે પીડિતાનો પતિ પીડિતાને ડાઇવોર્સ આપવાના છે. પીડિતાને તેના પતિના ઘરનું સરનામું યાદ ન હતું. અભયમ ટીમની અથાગ મહેનત થકી મોડી રાત્રે પીડિતાએ પિયરનું સરનામું જણાવ્યું અને તે સરનામા મુજબ મહિલાને તેના ઘરે પહોચાડી ત્યારે મહિલાના પિતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી માનસિક રીતે બીમાર છે અને મહિલાના ભાભીને અભયમ ટીમે સમજાવ્યું અને શાંતિ અને સંપીને રહેવા જણાવ્યું હતું.
આમ, ૧૮૧ અભયમ ટીમે મહિલાને સુરક્ષિત તેના પિયર પહોંચાડી ત્યારે તેના પરિવારજનોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.