Valsad : વલસાડ શહેરની સ્વચ્છતા માટે પ્રાદેશિક કમિશનર પાલિકા કચેરીના અધિક કલેકટર વી.સી.બાગુલે પાલિકામાં બેઠક યોજી

વિવિધ સંગઠનો અને સંસ્થાઓએ પણ શહેરની સ્વચ્છતા માટેના અભિયાનમાં યોગદાન આપવા ખાતરી આપી
ગ્રામ્ય તથા શહેરીના તમામ એન્ટ્રી પોઈન્ટથી પાંચ કિમી વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવી
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૩ ઓક્ટોબર
ગુજરાત સરકારના ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ (દક્ષિણ ઝોન) સુરતના અધિક કલેક્ટર વી.સી. બાગુલની અધ્યક્ષતામાં વલસાડ નગરપાલિકાના સભાખંડમાં બેઠક મળી હતી. જેમાં સફાઈ અભિયાનને વધુ વ્યાપક તેમજ અસરકારક બનાવવા માટે તેમના દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તા. ૧૫ ઓક્ટો. થી તા. ૧૬ ડિસે. સુધી સ્વચ્છતા માટે વિવિધ પ્રવૃત્તિ જેવી કે, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હેરીટેજ બિલ્ડિંગો, મહાપુરૂષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કાંઠાની સફાઈ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની તમામ સરકારી કચેરીઓની સાફ સફાઈ, પોલીસ સ્ટેશનો, પોલીસ લાઈન, કોર્ટ સંકુલો, સરકારી રહેણાંકની વસાહતો, હાઉસિંગ સોસાયટીની સફાઈ, દિવાળી નિમિત્તે ફટાકડાના કચરાનો નિકાલ, જાહેર રસ્તાની સફાઈ, સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગે જાગૃત્તિ, શાકભાજી માર્કેટ, એપીએમસી, બાગ બગીચાઓની સફાઈ, ભીના કચરામાંથી ખાતર બનાવવા કમ્પોસ્ટ મશીનો/ અન્ય સુવિધાઓની શરૂઆત, જાહેર અને સામુદાયિક શૌચાલયોનું રીપેરીંગ અને સાફ સફાઈ, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રાજ્યના ધોરી માર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સાફ સફાઈ, ટ્રાફિક સાઈનેજ અદ્યતન કરવા, ફૂટપાથ રીપેરીંગ, ડિવાઈડરને રંગ રોગાન કરવા, ગાંડા બાવળ દૂર કરવા, ગ્રામ્ય તથા શહેરીના તમામ એન્ટ્રી પોઈન્ટથી પાંચ કિમી વિસ્તારમાં તથા વોટર બોડીઝ, ઘાટ અમૃત સરોવરની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવી, આ ઉપરાંત શહેરી વિસ્તારમાં ગટર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રે વોટરના ટ્રીટમેન્ટ બાદ રીયુઝ અને આખરી નિકાલની વ્યવસ્થા કરવી, ગ્રામ્ય તથા શહેરની તમામ હોસ્પિટલો, ખાનગી તથા સરકારી દવાખાના, પીએચસી, સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરની સફાઈ અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પીવાના પાણીના ઓવરહેડ ટાંકા, ફિલ્ટરેશન પ્લાન્ટ અને કાંસની સાફ સફાઈ કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આ અભિયાનમાં વિવિધ એનજીઓ, એનસીસી, વિવિધ કલબ તેમજ શહેરના મહાનુભાવો જોડાઈ તે માટે સ્વછતાલક્ષી જરૂરી સૂચનો અને ચર્ચાઓ કરવામાં આવી હતી. સંગઠનોએ તેમજ વિવિધ મંડળોએ પણ શહેરની સ્વચ્છતા માટે પોતાનું યોગદાન આપવા માટે ખાતરી આપી હતી.










