
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૪ જૂન
પારડી તાલુકાના ખેરલાવ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલે ભૂલકાંઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે આજ શાળામાંથી પ્રાથમિક શિક્ષણ લઈને આગળનો અભ્યાસ પુરો કરી ડૉકટર થયા ત્યાં સુધીની સંઘર્ષની જુની યાદો તાજી સૌને પ્રોત્સાહિત કર્યાં હતા. સાથે જ સાંસદશ્રીએ “શાળા પ્રવેશોત્સવ, સાક્ષરતાનો મહોત્સવ” બની રહે તે માટે સૌને આહવાન કર્યુ હતું. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા મળી રહે તે માટે સાંસદશ્રીએ મારૂતિ વાન ગાડીને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન ગામના સરપંચ અને વલસાડ જિલ્લા સંગઠનના યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ અને અગ્રણી ભાણાભાઈ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










