
રામનવમી નિમીત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા એકાએક પથ્થરમારો થતા લોકોમાં દોડ ધામ મચી ગઇ હતી. તોફાની ટોળા દ્વારા રોડ પર લારીઓની પણ તોડફોડ કરી હતી. રોડ ઉપરના બજારો ટપોટપ બંધ થઇ ગયા હતા. જોકે, મામલો વધુ બીચકે તે પહેલાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી.
ગઈકાલે રાત્રે પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજીત શોભાયાત્રા વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતા નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પર સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરી હતી. જો કે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતાં મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.