VADODARAVADODARA CITY / TALUKO

વડોદરાના ફતેગંજમાં સ્થાનિકોએ ‘ફતેગંજ સંઘર્ષ સમિતિ’ બનાવી સ્માર્ટ મીટર કઢાવવા આંદોલન શરૂ કર્યું

વડોદરામાં  MGVCLએ નવા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાનું બંધ કર્યું છે. જો કે જ લોકોના ઘરે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી દેવાયા છે એવા લોકોએ આ મીટર કઢાવવા અને ફરી જુના મીટર લગાવવા આંદોલન શરૂ કર્યું છે.  ફતેગંજમાં સ્થાનિકોએ ‘ફતેગંજ સંઘર્ષ સમિતિ’ બનાવી સ્માર્ટ મીટર કઢાવવા આંદોલન શરૂ કર્યું છે. આ સમિતિના નેજા હેઠળ ફતેગંજના સ્થાનિકો MGVCLની પેટા વિભાગ કચેરી પહોચ્યાં હતા અને કચેરીમાં ધરણા કર્યા હતા.

વડોદરામાં આકાશમાંથી વરસી રહેલી અગન જવાળાઓ વચ્ચે પણ લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ ચાલુ રાખ્યો છે.શહેરના સમા અને અકોટા વિસ્તારની વીજ કચેરીઓ પર ફરી આજે મહિલાઓના મોરચા સ્માર્ટ મીટરના વિરોધમાં પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓએ ઉગ્ર રજૂઆતો કરીને જે સ્માર્ટ મીટરો ફિટ થયા છે તે તાત્કાલિક કાઢી નાંખવામાં આવે તેવી માંગ કરી હતી.

સમા તળાવ પાસે આવેલી વીજ કચેરી ખાતે પહોંચેલી મહિલાઓએ અલગ અલગ રજૂઆતોમાં જણાવ્યુ હતુ કે, સ્માર્ટ મીટરો લાગ્યા બાદ રોજનુ 70 થી 80 રૂપિયા બિલ આવી રહ્યુ છે.ગત ઉનાળામાં 3500 થી 4000 રૂપિયા  બિલ આવ્યુ હતુ.એટલુ બિલ તો એક જ મહિનામાં આવી જશે તેમ લાગે છે.અમે બધા ગરીબ પરિવારના છે.લોકોના ઘરોમાં કામ કરવા જઈએ છે અને મોબાઈલ જોતા પણ આવડતુ નથી તો રિચાર્જ કેવી રીતે કરવાના હતા? દર પંદર દિવસે બિલ ભરવાનુ પોસાતુ નથી. અમને તો જૂના મીટરો જોઈએ છે.

મહિલાઓએ કહ્યુ હતુ કે, પહેલા બે મહિને બિલ ભરતા હતા અને તેમાં પણ 10 દિવસનો સમય મળતો હતો.હવે દર દસ દિવસે રિચાર્જ કરવાનો વારો આવી રહ્યો છે. જે અમારી ક્ષમતા બહારની વાત છે.  10,000 રૂપિયામાં ઘર ચલાવવાનુ હોય છે તો વારંવાર રિચાર્જ કેવી રીતે કરવાના હતા?

મહિલાઓની ફરિયાદ હતી કે, મોબાઈલમાં વીજ વપરાશ જોવાની ખબર પડતી નથી.બિલ એટલુ આવે છે કે, હવે તો લાઈટ અને પંખા ચાલુ ના કરવા પડે એટલે સાંજ પડતા ઘરની બહાર બેસીએ છે. સ્માર્ટ મીટર આવ્યા બાદ વારંવાર વીજળી જતી રહે છે. આ ગરમીમાં વીજળી વગર કોઈને હાર્ટ એટેક આવી ગયો તો કોણ જવાબદાર હશે? વીજ કંપની કે સરકાર અમારૂ ભરણ પોષણ કરવા આવવાની નથી.

એક મહિલાએ  કહ્યુ હતુ કે, હાઈ ફાઈ સોસાયટીમાં કેમ સ્માર્ટ મીટરો નાંખવા માટે નથી જતા.અમારા ગરીબોના ઘર જ મળ્યા…પણ હવે નક્કી કરી દીધુ છે કે, લાઈટ પંખા વગર રહીશું પણ સ્માર્ટ મીટર તો ના જ જોઈએ. જો સ્માર્ટ મીટર ચાલુ રાખવુ હોય તો સરકાર જ અમારૂ બિલ ભરે.

અકોટાની વીજ કચેરી પર પણ ફરી સ્માર્ટ મીટરના વિરોધમાં મોરચો પહોંચ્યો હતો. જેમાં મોટાભાગે મહિલાઓ જ હતી. મહિલાઓએ કચેરીમાં ખાલી ખુરશી ટેબલો બતાવીને આક્ષેપ કર્યો હતો કે, જ્યારે પણ રજૂઆત કરવા આવીએ છે ત્યારે સાહેબો હાજર હોતા જ નથી અથવા અમને જોઈને ભાગી જાય છે. ગરીબોની હાય લાગવાની છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button