સરકાર દ્વારા એક તરફ શિક્ષક દિન ની ઉજવણી કરી જોરશોર થી અને બીજી તરફ ભાવિ શિક્ષકોની અટકાયત કરી

આજનો દિવસ શિક્ષકોને નમન કરવાનો અને તેમના કામને વંદન કરવાનો છે, પરંતુ ગુજરાતના ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. એક તરફ સરકાર શિક્ષકોની પ્રવેશ પરીક્ષા તો લે છે, પરંતુ તેમની કાયમી ભરતી કરતી નથી આથી હજારો શિક્ષક બનવા ઈચ્છતા યુવાનો વારંવાર સરકાર પાસે માગણી કરે છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં યોજ્યા હતાં.પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિતની જ્ઞાન સહાયક ભરતીનો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. જોકે 2023માં સરકારે ભરતીની જાહેરાત તો કરી પરંતુ જ્ઞાન સહાયકોને કરાર આધારિત 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં આજે ઠેર-ઠેરથી આવેલા યુવાનો દ્વારા ગાંધીનગરમાં એકઠા થઈ ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
ધરણાં કરી રહેલા ઉમેદવારોએ મીડિયાને જણાવ્યું હતું કે, ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. કૉંગ્રેસે આપેલા આંકડા અનુસાર રાજ્યમાં લગભગ 32,000 જેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે. એક તરફ શિક્ષિત યુવાનોને રોજગારી નથી મળતી જ્યારે બીજી બાજુ સ્કૂલોમાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ છે. સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવાથી ગરીબ માતા-પિતા પણ નછૂટકે ખાનગી શિક્ષણ તરફ વળ્યા છે ત્યારે સરકાર વહેલી તકે શિક્ષકોની ભરતી કરે તેવી માગણી કૉંગ્રેસે કરી હતી.