મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા

મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આજે મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે. સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મણિપુર હિંસાના 27 મામલાઓનો સામનો કરવા માટે ગુવાહાટીમાં એક અથવા વધુ ન્યાયિક મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ જજોની નિમણૂક કરવા વિનંતી કરી છે.
કોર્ટે એમ પણ કહ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોપીની પેશી અને રિમાન્ડ ઓનલાઈન થશે તેમજ પીડિત અને સાક્ષીઓ કોર્ટમાં રૂબરૂ હાજર થવાના બદલે ઘરેથી ઓનલાઈન જુબાની આપી શક્શે. આ સિવાય મણિપુરમાં સ્થાનિક મેજિસ્ટ્રેટની સામે 164 હેઠળ સાક્ષીઓ અને પીડિતોના નિવેદન પણ નોંધવામાં આવશે. આ નિર્દેશ મણિપુર રાજ્ય વતી ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા તરફથી કરવામાં આવેલા અનુરોધ બાદ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની પીઠે આદેશ આપ્યા છે.
આ સાથે મણિપુરમાં આરોપીઓની ન્યાયિક કસ્ટડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત વધુમાં સુપ્રીમ કોર્ટે મણિપુરમાં જ્યાં નિયુક્ત સ્થાનિક મેજિસ્ટ્રેટ સ્થિત છે ત્યાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા રાજ્ય સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે. CBIના 53 અધિકારીઓ હિંસાના 17 કેસોની તપાસ કરી રહ્યા છે. જેમાં 29 મહિલાઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને દેશભરની CBI ઓફિસમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં સંઘર્ષગ્રસ્ત રાજ્ય મણિપુરમાં હિંસાના વિવિધ પાસાઓની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની પણ નિમણૂંક કરી હતી. કોર્ટે કહ્યું, “આ ન્યાયાધીશો તપાસ સિવાય રાહત, પુનર્વસન, પુનઃસ્થાપના જેવા અન્ય ગંભીર મુદ્દાઓ ઉપર પણ ધ્યાન આપશે. તે એક વ્યાપક આધારીત સમિતિ હશે, તે રાહત શિબિરોની મુલાકાત લેશે અને રાહત કાર્ય બાબતે પણ નજર રાખશે. સમિતિ રાજ્યમાં આવેલા સંકટ અને વિવિધ પાસાઓની તપાસ કરશે.










