AMRELIKHAMBHA

અમરેલી પંથકમા ભુગર્ભીય હલચલ વધુ તેજ બની, સવારે માત્ર અઢી કલાકના ગાળામાં ભૂકંપના 5 આંચકા

અમરેલી પંથકમા ભુગર્ભીય હલચલ વધુ તેજ બની છે. ખાસ કરીને ખાંભા સાવરકુંડલાની બોર્ડર પર આજે સવારે માત્ર અઢી કલાકના સમયગાળામા ભુકંપના પાંચ આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારમા 3 કિમીથી લઇ 6 કિમીની ઉંડાઇ પર ભુગર્ભમા હલચલ તેજ બની છે. જેનો સ્પષ્ટ અણસાર આંચકાની વધી રહેલી સંખ્યા પરથી મળી રહ્યો છે.અમરેલી જિલ્લામા ભુકંપનુ કેન્દ્રબિંદુ અમરેલીથી દક્ષિણ-પુર્વ દિશામા 42થી 46 કિમીની વચ્ચે હોય છે. મિતીયાળા તથા આસપાસના 7 થી 8 કિમીના એરીયામા ભુગર્ભમા આ હલચલ ચાલે છે. અને તેની ઉંડાઇ મહદઅંશે 3 કિમીથી લઇ 6 કિમી સુધીની જોવા મળી રહી છે.

ગીરકાંઠાનુ આ પોકેટ પાછલા ઘણા સમયથી ભુકંપની ઉદગમબિંદુ બન્યુ છે અને આટલા વિસ્તારમા ઉંડાઇ પર ગતિવિધી ચાલી રહી છે. સવારે 7:06 કલાકે અમરેલીથી 42 કિમી દુર ભુકંપનો આ પ્રથમ આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 1.7 કિમીની રહી હતી. ત્યારબાદ થોડા થોડા સમયના અંતરે સતત આંચકા આવતા રહ્યાં હતા. ચાર મિનીટ બાદ 7:10 મિનીટે 1.1ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. જ્યારે 7:37 મિનીટે 1.9 તથા 7:57 મિનીટે 2.2ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો. ભુકંપનો છેલ્લો આંચકો સવારે 9:31 મિનીટે આવ્યો હતો જે અમરેલીથી 45 કિમી દુર હતો અને તેની તીવ્રતા 2.4 કિમીની ​​​​​​​રહી હતી. આ વિસ્તારમા સતત આવી રહેલા ભુકંપથી લોકોમા ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અગાઉ સિસ્મોલોજી વિભાગની ટીમે અહી આવી તપાસ પણ કરી હતી અને લોકોને મોટો ભુકંપ આવવાની શકયતા નહિવત હોવાનુ આશ્વાસન પણ આપ્યુ હતુ. જો કે તંત્રના આ આશ્વાસન બાદ પણ લોકોનો ઉચાટ દુર થઇ રહ્યો નથી.
અમરેલીથી 40 કિમી દુર આવેલ ગીરકાંઠાના મિતીયાળા તથા આસપાસના વિસ્તારમા સતત ભુકંપનુ કેન્દ્રબિંદુ રહે છે. માત્ર 5 થી 6 કિમીના એરીયામા ભુકંપનુ કેન્દ્રબિંદુ વધુ જોવા મળે છે. વળી તેની ઉંડાઇ 3 થી 6 કિમી સુધી હોય છે.

[wptube id="1252022"]
Back to top button