
તા.૧૫/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કુપોષણના અસરકારક નિરાકરણ માટે આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને સખી મંડળના બહેનો માટે હેમુગઢવી હોલ ખાતે “શ્રેષ્ઠ પોષણ-શ્રેષ્ઠ આરોગ્ય” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, પોષણ અને આરોગ્ય બંને એક સિક્કાની બે બાજુ છે. અપુરતા પોષણના કારણે શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેતું નથી. તેથી સારા આરોગ્ય માટે પુરતું પોષણ મેળવવું ખુબ જરૂરી છે. બાળકોએ દેશનું ભવિષ્ય છે. આ માટે કોઈપણ માતા અને બાળક કુપોષિત ન રહે અને તંદુરસ્ત બને એ આ વર્કશોપનો મુખ્ય ઉદેશ્ય છે.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતું કે, આંગણવાડી બહેનો માટે આ વર્કશોપ મહત્વનો સાબિત થશે. તજજ્ઞો દ્વારા મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરીને રાજકોટ જિલ્લામાં માતા અને બાળકોને જરૂરિયાત મુજબનું પોષણ પૂરું પાડીને એક વર્ષમાં માતા – બાળકના પોષણમાં વિશાળ પરિવર્તન આવશે. આજે ધીમી પણ મક્કમ ગતિએ કરેલી શરૂઆતથી આપણે એક દિવસ અચુક લક્ષ્યાંક પૂર્ણ કરીને જિલ્લાના દરેક માતા અને બાળકને તંદુરસ્ત બનાવીશું.
ઉલ્લેખનીય છે કે, સંકલિત બાળ વિકાસ સેવાના પ્રોજેક્ટ મેનેજરશ્રી સાવીત્રી નાથજીએ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નિલેશ રાઠોડે ઉપસ્થિતો તથા તજજ્ઞોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.એસ. ઠુંમર, આરોગ્ય વિભાગના પી.કે.સિંગ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વિભાગના શ્રી વી.બી.બસિયા, પોષણ એક્સપર્ટ શ્રી નમ્રતા ભટ્ટ સહિત આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને સખી મંડળના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








