સરકારે સ્વીકાર્યું : નોકરીની લાલચ આપીને 20 ભારતીયોને લઈ જવાયા હતા રશિયાના યુદ્ધમાં
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીયો ફસાયા છે

રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષનો સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી યુદ્ધનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે તાજેતરમાં જ સુરતના એક યુવકનું આ યુદ્ધમાં મોત નિપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે, નોકરીની લાલચ આપીને 20 ભારતીયોને રશિયા મોકલવામાં આવ્યા હતા.
ભારત સરકારે સ્વીકાર્યું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીયો ફસાયા છે. આ 20 એવા ભારતીયો છે જેમને સારી નોકરીની લાલચ આપીને ત્યાં લઈ જવામાં આવ્યા હતા. આ લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે અને તેમને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે અને રશિયન સત્તાવાળાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, રશિયામાં ફસાયેલા આ લોકોએ અમારો સંપર્ક પણ કર્યો છે. આ લોકોને સારા પગાર અને સુવિધાઓની લાલચ આપીને રશિયા લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં થોડો સમય તાલીમ લીધા બાદ તેમને યુદ્ધના મેદાનમાં ઉતારાયા હતા.હવે આ લોકો મુશ્કેલીમાં છે અને તેમના પરિવારજનોએ પણ ભારત સરકારને તેઓને બચાવવા અને પરત ભારત લાવવા માટે અપીલ કરી છે.
અગાઉ 26 ફેબ્રુઆરીએ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ઘણા ભારતીયો રશિયન આર્મીમાં જોડાયા છે. આ લોકોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. હવે તેમને ભારત પરત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રશિયન સેના અને સરકાર સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે કે ભારતીયોને ત્યાં બળજબરીથી રાખવામાં ન આવે અને તેમને સ્વદેશ પરત મોકલવામાં આવે.










