JETPURRAJKOT

છઠ્ઠા મહિને જન્મેલા બાળકનું જીવન બચાવી પ્રસૂતા અને બાળકને નવજીવન આપતી “૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”

તા.૨૦ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્યમાં કોઈ પણ જગ્યાએ આરોગ્યલક્ષી ઈમરજન્સી સેવાની જરૂર પડે તો ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ૨૪X૭ દિવસ લોકોની મદદે આવવા તૈયાર રહે છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ અનેક લોકોને નવજીવન બક્ષ્યું છે.

૧૦૮નાં પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકરએ આવા જ એક કેઈસની વિગતો આપતાં જણાવ્યું હતું કે, મૂળ મધ્યપ્રદેશનાં રહેવાસી અને પોરબંદરમાં આજીવિકા અર્થે આવેલ શ્રમિક પરિવાર પોરબંદર થી મધ્યપ્રદેશ બસમાં જઈ રહ્યા હતા, ત્યારે બસ ધોરાજી પાસે પહોંચતા જ બસમાં બેઠેલા ૨૬ વર્ષીય પ્રસૂતા મોસમીબેનને અચાનક જ દુઃખાવો ઉપડતાં તાકીદે ૧૦૮નો સંપર્ક સાધ્યો હતો. કોલ આવ્યાની થોડી જ ક્ષણોમાં ધોરાજી લોકેશનની ૧૦૮ની ટીમનાં ઈ.એમ.ટી. નયનભાઈ સોલંકી અને પાયલોટ ઈન્દ્રસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.

૧૦૮ના જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, પ્રસૂતાને માત્ર છ માસની જ પ્રેગનન્સી હતી અને બાળકને ગળામાં નાળ વીંટળાઈ ગયેલી હોવાથી તાત્કાલિક પ્રસૂતિ ન થાય તો માતા અને બાળક બંનેનો જીવ જોખમમાં આવી શકે તેમ હતો. આવાં પડકારભર્યા સમયે ૧૦૮નાં ઈ.એમ.ટી. નયનભાઈ સોલંકી અને પાયલોટ ઈન્દ્રસિંહ જાડેજાએ સમયસૂચકતા વાપરી ઈ.આર.સી.પી. ડોકટરની ઓનલાઈન મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. છ માસના જન્મેલા બાળકને બચાવવું ખૂબ મોટો પડકાર હોય છે. તબીબી જગતમાં બહુ જૂજ કહી શકાય તેવા કિસ્સામાં માત્ર છ મહિને જન્મેલાં એક બાળકને નવજીવન આપવામાં ૧૦૮ની ટીમે સફળતા મેળવી હતી.

વધુ સારવાર અર્થે માતા અને બાળકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ નવજાત શિશુ તથા માતાને જરૂરી સારવાર આપી હતી. અનેક લોકોની જીવન રક્ષક બનેલી ૧૦૮ સેવાના આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી બે જિંદગીનો આબાદ બચાવ કરવા બદલ તેણીના પરિવારે ૧૦૮ની સમગ્ર ટીમ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાની ૧૦૮ સેવા દ્વારા અનેકવાર પ્રસુતા માતાને સેવા આપવામાં આવી છે. જે પ્રસુતા માતા મૃત્ય દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે

[wptube id="1252022"]
Back to top button