AHMEDABADGANDHINAGARGUJARATNATIONAL

રાહુલ ગાંધીને દોષિત ઠેરવનાર જજ સહિત 68 જજના પ્રમોશન પર રોક

સુપ્રીમકોર્ટે ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશ સંવર્ગમાં 68 ન્યાયાધીશોની બઢતીને ગેરકાયદેસર ગણાવી પ્રમોશન પર સ્ટે મૂકી દીધો છે. આ 68 જજોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવનારા જજ હરીશ વર્માનો પણ સમાવેશ થાય છે. સાથે જ સુપ્રીમકોર્ટે જેમને બઢતી આપવામાં આવી છે એવા 68 ન્યાયાધીશોને તેમની મૂળ જગ્યાએ પરત મોકલી દેવાનો આદેશ આપ્યો છે.

જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં બેન્ચે નોંધ્યું હતું કે ભારતના બંધારણની કલમ 14 તેમજ ગુજરાત રાજ્ય ન્યાયિક સેવા નિયમો, 2005નો ભંગ થઇ રહ્યો છે. જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું કે એ નોંધવું જરૂરી છે કે ગુજરાતના ભરતી નિયમો અનુસાર, બઢતી માટેનો માપદંડ ‘મેરિટ કમ સિનિયોરિટી’ અને યોગ્યતા કસોટી છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયોનું ઉલ્લંઘન કરે છે. જસ્ટિસ શાહે વધુમાં કહ્યું- અમે આ અરજીનો નિકાલ કરવા માગતા હતા, પરંતુ એડવોકેટ દુષ્યંત દવે ઈચ્છતા નથી કે અમે અરજીનો નિકાલ કરીએ. આ અંગે વધુ સુનાવણી 8મી ઓગસ્ટના રોજ હાથ ધરાશે.

એવી તે શું અસામાન્ય ઉતાવળ હતી કે રાજ્ય સરકાર બઢતીની અધિસૂચના જાહેર કરવા માટે દસ દિવસ રાહ જોઈ શકી નહીં. શું તમારા (ગુજરાત સરકારના) સચિવ કાયદાથી ઉપર છે? આ બીજું કશું નહીં પણ અદાલત અને વર્તમાન કાર્યવાહીને ખતમ કરવાનો પ્રયાસ છે. અમે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ. અમે કોઈનું પણ કરિયર ખતમ કરી શકીએ છીએ. સુપ્રીમકોર્ટની પ્રક્રિયાને ક્યારેય ઓવરરીચ કરવાનો પ્રયાસ કરશો નહીં. (ચુકાદા દરમિયાન જસ્ટિસ એમઆર શાહે આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું)

સુપ્રીમકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે ગુજરાત સ્ટેટ જયુડિશિયલ સર્વિસ રૂલ્સ-2005 મુજબ સિનિયર સિવિલ જજ માટે 50 ટકાના માપદંડને વધારીને 65 ટકા કરવામાં આવ્યા છે. આ નિયમ મુજબ પ્રમોશન નહી હોવાથી સ્ટે આપવામાં આવ્યો છે. મેરિટ કમ સિનિયોરિટીના માપદંડ મુજબ જે ઉમેદવારોને 65 ટકા માર્કસ આવ્યા છે તેમને આપેલા પ્રમોશનને જ ગ્રાહ્ય રાખવામાં આવશે. અરજદારોના માર્ક પ્રમોશન પામેલા ઉમેદવારો કરતા વધુ હોવા છતાં તેમની પસંદગી કરાઇ નથી. ખંડપીઠે એવું ટાક્યું છે કે જજીસ તરીકેના પ્રમોશન માટેના માપદંડમાં લઘુત્તમ માર્કની જે મર્યાદા નક્કી કરાઇ છે તેનું કડકપણે પાલન કરવું પડશે.

ગુજરાત સરકારના બે અધિકારીઓ રવિકુમાર મહેતા અને સચિન પ્રતાપ રાય મહેતા દ્વારા 68 જજોની બઢતીને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવી હતી. બંને વરિષ્ઠ સિવિલ જજ કેડરના અધિકારીઓ છે અને પોતે 65% પ્રમોશન ક્વોટા માટે પરીક્ષામાં બેઠા હતા. રવિ કુમાર મહેતા ગુજરાત સરકારના કાનૂની વિભાગમાં અન્ડર સેક્રેટરી છે, જ્યારે સચિન પ્રતાપ રાય મહેતા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં મદદનીશ નિયામક છે. બંને અધિકારીઓનો આરોપ હતો કે પ્રમોશન માટેની પરીક્ષામાં તેમના કરતા ઓછા માર્કસ મેળવનારા જજોની ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વધુ માર્કસ મેળવનારને પ્રમોશન મળ્યું નથી. બંને અધિકારીઓએ તેમની અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે 68 જજોના પ્રમોશનમાં નિર્ધારિત માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી. એવો આક્ષેપ છે કે બઢતી માટે પરીક્ષાની સાથે “મેરિટ કમ સિનિયોરિટી” માપદંડ રાખવામાં આવ્યો હતો, પરંતુ પસંદગી “વરિષ્ઠતા કમ મેરિટ”ના આધારે કરવામાં આવી હતી. જેના કારણે લાયક અને વધુ માર્કસ કાઢી નાખવામાં આવ્યા હતા.

સુપ્રીમકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સ્ટે ઓર્ડર એવા લોકો પૂરતો મર્યાદિત રહેશે જેમના નામ પ્રથમ 68 બઢતીની યાદીમાં નથી. ખંડપીઠે કહ્યું કે આ બાબતની સુનાવણી બેન્ચ દ્વારા કરવામાં આવશે જેને CJI સોંપશે કારણ કે જસ્ટિસ શાહ 15 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button