
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
પ્રજાજનોના પ્રશ્નોના સુખદ નિરાકારણનું સરનામું એટલે “સ્વાગત”. SWAGAT થકી જનતાની સમસ્યાઓ પ્રશ્નોનો ઝડપી અને સરળતાથી તથા સકારાત્મક રીતે ઉકેલ આવવો એ આ ઓનલાઇન પ્લેટફોર્મની બે દાયકાની સિધ્ધિનું સીધુ પરિણામ છે.
તા.૨૪ એપ્રિલ ૨૦૦૩ ના રોજ રાજય સ્વાગત કાર્યક્રમનો પ્રારંભ થયેલ.ત્યારથી આજદિન સુધીમાં ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજય સ્વાગત કાર્યક્રમો અંતર્ગત અનેક જનસમસ્યાઓ અને લોકપ્રશ્નોનો સુખદ અને સંતોષકારક ઉકેલ આવેલ છે.
આ જ યશગાથાને આગળ ધપાવતા આજે ૨૦ વર્ષની ઝળહળતી સિધ્ધિને ઉત્સવના રૂપમાં ઉજવતાં જનઅભિયાન સ્વરૂપે સમગ્ર રાજયમાં સ્વાગત સપ્તાહનું ભવ્ય ઉજવણી થઇ રહી છે. આ ભગીરથ પ્રયાસના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ લોકપ્રશ્નોને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાંભળી, સમજી અને સ્થળ પર જ નિકાલ લાવી સરકારની સંવેદનશીલતા અને લોકાભિમૂખ અભિગમનું તાદ્શ ઉદાહરણ પૂરૂ પાડે છે.
સ્વાગત કાર્યક્રમના લાભાર્થી રંજીતાબેન પટેલ આ બાબતને ચરિતાર્થ કરતાં હોવાનો પ્રેરક પુરાવો છે. રંજીતાબેન એ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોડવાંક ગામના રહેવાસી છે. જેમનું મોપેડ લગભગ ત્રણ માસ અગાઉ છેતરપીંડીથી એક વ્યકિત લઇ ગયા હતાં અને વાહન પરત કરેલ ન હતું. આ બાબતે રંજીતાબેને “સ્વાગત” માં અરજી કરી હતી. અને સ્થાનિક પોલીસ સ્ટેશને યોગ્ય તપાસણી કરી રંજીતાબેનનું મોપેડ ટુંક સમયમાં જ પરત લાવવામાં સફળતા હાંસલ કરી હતી.
રંજીતાબેન પોતાનું મોપેડ પરત મળી આવતા ખુબ ખુશી સાથે જણાવ્યું હતું કે, “સ્વાગત” થકી મારું મોપેડ મને પાછુ મળ્યું છે જે માટે હું ચીખલી પોલીસ સ્ટેશન અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.