
ચીનની સાઇબર રેગ્યુલેટર સંસ્થાએ ભલામણ કરી છે કે 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે ફોનનો ઉપયોગ કરવાની લિમિટ નક્કી થવી જોઇએ. રેગ્યુલેટરે 2 કલાકની લિમિટ નક્કી કરવાનું સૂચન આપ્યું છે.
ચીને બાળકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા સ્માર્ટફોન પર નિયંત્રણ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. ચીનના સાઈબર સ્પેસ વોચડોગે કહ્યુ કે બાળકો દ્વારા સ્માર્ટફોનના ઉપયોગને દિવસમાં બે કલાક સુધી મર્યાદિત કરી દેવો જોઈએ અને આ પ્રતિબંધોને સફળ કરવા માટે તમામ ટેકનોલોજી કંપનીઓને આવો મોડ લગાવવો જોઈએ જેનાથી બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ ન કરી શકે.
રિપોર્ટ અનુસાર ચીને પાંચ અલગ-અલગ ઉંમરના જૂથ માટે પ્રતિબંધોનું સૂચન કર્યું છે, જેમાં 3 થી નાની, 3-8, 8-12, 12-16 અને 16-18ની ઉંમર ધરાવતા બાળકો હશે. આ તમામનો મોડ અલગ-અલગ હશે. 3 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પ્રત્યેક દિવસ માત્ર 40 મિનિટની પરવાનગી હશે. 8થી 16 વર્ષ ની વચ્ચેની ઉંમર ધરાવતા બાળકો માટે આ સમય મર્યાદા 1 કલાક સુધીની હશે. 16 થી 18 વર્ષની ઉંમર ધરાવતા બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર બે કલાક સુધી કરી શકશે. તેઓ રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ એક્સેસ કરી શકશે નહીં.
આને કેવી રીતે લાગુ કરવામાં આવશે, આ વિશે અમુક પ્રશ્ન અસ્પષ્ટ છે પરંતુ દિશાનિર્દેશ અધિકારીઓ દ્વારા યુવાનો વચ્ચે અનિયંત્રિત ડિજિટલ લતને રોકવા માટે નવીનતમ પ્રયત્ન છે. માતા-પિતાને માઈનર મોડ પર હસ્તાક્ષર કરવા પડશે અને દેશભરમાં દિશાનિર્દેશ લાગુ થયા બાદ અભિયાનનું સમર્થન કરવા માટે કહેવામાં આવશે. આની જવાબદારી ટેકનોલોજી કંપનીઓ પર પણ પડવાની શક્યતા છે, જેમણે અધિકારીઓને નિયમિત ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે અને તેને નિયમિત કરવામાં આવશે.










