RAMESH SAVANI

‘રામને નહીં ભજનાર ચમાર છે !’

તુલસી પીઠાધીશ્વર જગતગુરુ રામભદ્રાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેમાં તેઓ કહે છે : ‘જો રામ કો નહીં ભજતા વો ચમાર હૈ !’ તેઓ રામને નહીં ભજનાર નાલાયક છે, મૂરખા છે, અબુધ છે; એમ પણ કહી શક્યા હોત. સવાલ એ છે કે એમણે આવું શું કામ કહ્યું હશે?
રામભદ્રાચાર્ય કોણ છે? એમનો ટૂંકો પરિચય એ છે કે તેઓ અભિનેત્રી કંગના રનૌત/ બાગેશ્વરબાબા/ વડાપ્રધાનના ગુરુ છે ! તેમણે 80 થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેઓ રામાયણ અને ભાગવત કથાકાર છે. સરકારે 2015માં તેમને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા છે. તેઓ બે મહિનાનાં હતાં ત્યારથી નેત્રહીન બન્યા હતા.
1358 થી 1518 દરમિયાન વારાણસી- કાશીમાં જન્મેલા રૈદાસ ચમારે/ સંત રવિદાસે હિંદુ ધર્મના સાંપ્રદાયિક પાખંડીઓની પોલ ખોલી નાખી હતી. જે પાખંડીઓને હજુ ચચરે છે. રૈદાસને ભારતીય પરંપરામાં ભક્તિના જ્ઞાનમાર્ગ અને પ્રેમમાર્ગને જોડતી કડી કહેવાય છે. તેઓ મીરાંબાઈના ગુરૂ પણ હતા. વારાણસીના વણકર કબીરની જેમ રૈદાસ ચમાર પણ એક વિદ્રોહી સંતકવિ હતા. ઝઘડો ધનુષધારી દશરથપુત્ર સગુણ રામ અને કબીર-રૈદાસના નિરગુણ રામનો છે.
રૈદાસ ચમાર, સાંપ્રદાયિક પાંખડીઓને શામાટે કઠે છે એ સમજીએ. રૈદાસ કહે છે :
मस्जिद सों कुछ घिन नहीं,
मंदिर सों नहीं पिआर।
दोए मंह अल्लाह राम नहीं,
कहै रैदास चमार॥
મતલબ, ન તો મને મસ્જિદથી નફરત છે ન તો મંદિરથી પ્રેમ છે. રૈદાસ ચમાર કહે છે વાસ્તવિકતા તો એ છે કે ન તો અલ્લાહ મસ્જિદમાં વસે છે ન તો રામ મંદિરમાં !
ऊँचे कुल के कारणै,
ब्राह्मन कोय न होय।
जउ जानहि ब्रह्म आत्मा,
रैदास कहि ब्राह्मन सोय॥
મતલબ, ફક્ત ઊંચા કુળમાં જન્મ લેવાને કારણે જ કોઈને બ્રાહ્મણ ન કહી શકાય. જે બ્રહાત્માને જાણે છે તેને જ ફક્ત બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકાર છે !
અયોગ્ય વ્યક્તિની પૂજા ખતરનાક છે :
रैदास ब्राह्मण मति पूजिए,
जए होवै गुन हीन।
पूजिहिं चरन चंडाल के,
जउ होवै गुन प्रवीन॥
મતલબ, જેનામાં હિન ગુણો છે એવા બ્રાહ્મણને ન પૂજો. એવા બ્રાહ્મણને પૂજવા કરતાં ગુણોમાં પ્રવીણ ચાંડાલને પૂજવો વધારે યોગ્ય છે !
એ તો ઠગ છે :
माथे तिलक हाथ जपमाला,
जग ठगने कूं स्वांग बनाया।
मारग छाड़ि कुमारग उहकै,
सांची प्रीत बिनु राम न पाया॥
મતલબ, માથામાં તિલક અને હાથમાં જપમાળા, એ જગતને ઠગવા માટે લીધેલો વેશ છે. એ ખરો રસ્તો છોડીને ખોટે રસ્તે જવા બરોબર છે. ખરા પ્રેમ વિના રામ મળતો નથી !
રામ એટલે?
हिंदू पूजइ देहरा
मुसलमान मसीति।
रैदास पूजइ उस राम कूं,
जिह निरंतर प्रीति॥
મતલબ, હિંદુ મંદિરને પૂજે છે અને મુસલમાન મસ્જિદને પૂજે છે પણ રૈદાસ એ રામને પૂજે છે જે નિંરતર પ્રેમ છે.
રામ વૈશ્વિક છે :
रैदास हमारौ राम जी,
दशरथ करि सुत नाहिं।
राम हमउ मांहि रहयो,
बिसब कुटंबह माहिं॥
રૈદાસ કહે છે કે મારો રામજી દશરથનો પુત્ર નથી, મારો રામ તો મારી ભીતર વસે છે અને તે વિશ્વના દરેક પરિવારમાં છે !
जो ख़ुदा पच्छिम बसै
तौ पूरब बसत है राम।
रैदास सेवों जिह ठाकुर कूं,
तिह का ठांव न नाम॥
રૈદાસ કહે છે, જો ખુદા પશ્ચિમમાં વસે છે તો રામ પૂર્વમાં વસે છે પણ મારો રામ એ છે જેનું ન તો કોઈ નામ છે ન તો કોઈ ઠેકાણું છે. રૈદાસ નિરગુણ રામની વાત કરે છે. ભીતરના રામની યાને પ્રેમની, કરૂણાની, સન્માન, સ્વાધિનતાની વાત કરે છે. આપણા ગામોમાં એકબીજાને રામ-રામ કહેવાનો રિવાજ હતો. એકબીજાની ખબર-અંતર પૂછવાથી લઈ રામ બોલો ભાઈ રામ સુધી જે રામ આપણને વારસામાં મળ્યા તે આ રામ છે. વડવાઓએ આપણને એ રામ શીખવ્યો હતો પણ પછી ધીમે ધીમે રામનું સાંપ્રદાયિકરણ થયું. આપણે રામમાંથી ‘જયશ્રી રામ’ અને ‘જયજય શ્રીરામ’ સુધી પહોંચી ગયા છીએ !
जनम जात मत पूछिए,
का जात अरू पात।
रैदास पूत सब प्रभु के,
कोए नहिं जात कुजात॥
મતલબ, જન્મ કે જાત ન પૂછો કારણ કે સંસારમાં કોઈ જાતિ નથી. સૌ પ્રભુનાં સંતાનો છે અને કોઈ જાતિ કુજાતિ નથી !
ગુલામી પાપ છે :
पराधीनता पाप है,
जान लेहु रे मीत।
रैदास दास पराधीन सौं,
कौन करैहै प्रीत॥
મતલબ, પરાધીનતા પાપ છે, જાણી લો ઓ દોસ્ત ! જો રૈદાસ પરાધીન હોત તો તેને કોણ પ્રેમ કરત? ટૂંકમાં, રૈદાસ પ્રેમ અને પરાધીનતા વચ્ચે કેવો મોટો વિરોધાભાસ છે તે દર્શાવે છે. આજે સમાજમાં પ્રેમ તો ઘટી જ રહ્યો છે સામે ગુલામી પણ વધી રહી છે. જો પ્રેમ વધારવો હશે તો ગુલામી છોડવી પડશે. આ ગુલામી વૈચારિક ગુલામી છે. પોતાને સુધરેલા સમજતા દલિતોની અને શહેરી સવર્ણોની વ્યક્તિપૂજામાં ખદબદતી માનસિક ગુલામી જગજાહેર છે; એમણે નથી તો રૈદાસમાંથી ધડો લીધો કે નથી આંબેડકરમાંથી. રામભદ્રાચાર્યને આ કારણે પણ રૈદાસ કઠે છે કારણ કે તે પ્રેમનો પોકાર કરે છે અને ગુલામીનો ઇનકાર કરે છે ! સાંપ્રદાયિકોને રૈદાસ ચમાર એટલે પણ કઠે છે કારણ કે તે હિંદુ-મુસ્લિમ બેઉને એક માને છે.
जब सभ करि दोए हाथ पग,
दोए नैन दोए कान।
रैदास प्रथक कैसे भये,
हिन्दू मुसलमान॥
મતબલ, જ્યારે દરેકને હાથ-પગ બે છે અને બે આંખો અને બે કાન છે તો આ હિંદુ-મુસલમાન એકબીજાથી અલગ કેવી રીતે થયાં?
કબીર પણ આ જ વાત કરે છે :
माला जपूँ ना कर जपूँ,
मुख से कहूँ ना राम,
राम हमारा हमें जपे है,
हम पायो विश्राम।
મતલબ, માળા ફેરવતી વેળાએ રામ નામ જપવાથી કંઈ ન થાય, ભીતરના રામને ઓળખવાથી શાંતિ/ વિશ્રામ મળે !
હવે સમજાયું ને? શામાટે રામભદ્રાચાર્ય બળતરા કરે છે? ચમાર રૈદાસે/ વણકર કબીરે સાંપ્રદાયિક ઢોંગીઓને દિગમ્બર કરી નાખ્યાં હતાં ! જો તમને અયોધ્યાના દશરથપુત્ર રામમાં રસ પડતો હોય તો ભવ્ય મંદિર મુબારક. બાકી કબીર-રૈદાસ વતી રામરામ !rs [સૌજન્ય : મેહુલ મંગુબેન; વરિષ્ઠ પત્રકાર, લેખક, કવિ]

[wptube id="1252022"]
Back to top button