પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવદર્શન માટે શિવભક્તો ઉમટ્યા

સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુકલએ પ્રગટેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
બધા કર્મોના બંધનથી મોક્ષ જોઈએ તો માત્ર એક જ મંત્ર છે, ૐ નમઃ શિવાય-કથાકાર પૂ. પ્રફુલભાઈ શુકલ
======
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે આછવણીના પ્રગટ પ્રગટેશ્વર ધામ ખાતે ભગવાન શિવના દર્શનાર્થે અનેક શિવભક્તો ઉમટ્યા હતા. સૌ શિવભક્તોએ પ્રગટેશ્વર દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
શ્રાવણ માસના છેલા સોમવારની ઉજવણીના ભાગરૂપે ધર્માંચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કથાકાર પૂ. પ્રફુલભાઈ શુકલએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રગટેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ શુભ અવસરે આયોજિત એક કુંડી લઘુરુદ્રયજ્ઞની વિધિ પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ કશ્યપભાઈ જાની સહિત ભાસ્કર ભાઈ દવે, હર્ષ જાનીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવી હતી.
આ અવસરે ભગવાન શિવની પાલખી યાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં અનેક શિવભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને હર હર મહાદેવ તેમજ હર હર મહાદેવ, શિવ સદા વિજયતે, એક પિતા સબ પરિવાર તેમજ ૐ નમઃ શિવાયના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બનાવી દીધું હતું.
પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા મંડળના લીનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શિવ પરિવારની મહિલાઓએ સુંદર ગરબો રજૂ કર્યો હતો. ડી.એસ.પાટીલ,સુરતની ટીમ દ્વારા અંબા માતાના ગીત સાથે નૃત્ય તેમજ ગોરા કુંભાર એકાંકી, હોસ્ટેલની બાલિકાઓ દ્વારા ગરબો રજૂ કરાયો હતો, આ ઉપરાંત દમણના પ્રથમકુમારે ભક્ત શ્રી જલારામબાપાનો એકપાત્રિય અભિનય કર્યો હતો. આ બધી કૃતિઓ નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા અને રોકડ ઇનામો પણ આપ્યા હતા.
આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદા તેમજ મંદિરના પ્રમુખ બીપીનભાઈ પરમારના હસ્તે વિધવા મહિલાઓને સ્ટીલની થાળી તેમજ દિવીનું વિતરણ કરાયું હતું.
આ અવસરે સુપ્રસિદ્ધ કથાકાર પૂ. પ્રફુલભાઈ શુકલએ શિવ સૌનું કલ્યાણ કરે એવા આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, બધા કર્મોના બંધનથી મોક્ષ જોઈએ તો માત્ર એક જ મંત્ર છે, ૐ નમઃ શિવાય. ભગવાન શંકર માટે જેટલું કહીએ તે ઓછું પડે છે. આછવણી પ્રગટેશ્વર ધામ અતિ પાવન જગ્યા છે, તે જેને અનુભવ થયો હોય તેનેજ ખબર પડે છે, જેના નામથી દુનિયામાં બધા ડરે છે એ યમરાજ પણ અહીં એક રાત વાસ કરીને જય છે. શિવ જેવો કોઈ ભગવાન નથી, મહિમન જેવી કોઈ સ્તુતિ નથી અઘોર મંત્ર જેવો કોઈ મંત્ર નથી અને પરભુદાદા જેવા કોઈ સદગુરુ નથી, જેથી પરભુદાદા સાથે અનેક શિવભક્તો વર્ષોથી જોડાયા છે. પંઢરપુર જેવા તીર્થમાં પણ ભગવાન પરભુદાદાની રાહ જોતા હોય તેવો મને ત્યાં અહેસાસ થયો હતો. દાદા જેનું નામ જ કરુણાનો અવતાર છે, પ્રેમાવતાર છે, ભાગવત કથાનું આયોજન પિતૃઓના કલ્યાણ માટે કરવામાં આવ્યું છે. દુનિયામાં એકમાત્ર વિભૂતિ પૂ. પરભુ દાદા છે જે મૃતાત્માઓને પણ વિચાર કરે છે, તેમને મોક્ષ અપાવવાનું કાર્ય કરી રહ્યા છે. આગામી ૭મી ઓક્ટોબરથી અહીં ભાગવત કથાનું આયોજન કરાયું છે, એ કથાની ભવ્ય પોથીયાત્રા મારા ઘરેથી નીકળશે એ મારી ૮૫૦ કથાના ઇતિહાસમાં પહેલીવાર આવું બની રહ્યું છે. જેમાં સૌને ઉપસ્થિત રહેવા તેમણે સૌને આમંત્રણ પાઠવ્યું હતું. શિવ પરિવાર કેદારનાથ યાત્રાએ પરભુદાદાના સંગાથે જઇ રહ્યા છે, તે આપ સૌનું સૌભાગ્ય હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ધર્માંચાર્ય પૂ. પરભુદાદાએ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેવા આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, પૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ ક્રિયા કર્મથી યજ્ઞ કરો તો તેનું ફળ અવશ્ય મળે જ છે. સંપૂર્ણ ફળ મેળવવા માટે યજ્ઞમાં પૂજાની દરેક પ્રકારની સામગ્રી લઈને આવવું જોઈએ, એટલું જ નહીં આપણી મનોસ્થિતિ પણ સ્થિર રહેવી જોઈએ. કેદરનાથ કૈલાસધામ અને બદ્રીનાથ વૈકુંઠધામ છે, જ્યાં યજ્ઞ કર્મ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે. પવિત્ર તીર્થસ્થાનોમાં કરેલા કર્મનું અનેકગણું ફળ મળે છે, જેથી આપણે દરેક તીર્થમાં બ્રહ્મમુહૂર્તમાં યજ્ઞ કરીએ છીએ. જ્ઞાનની ગંગા ચાલતી હોય ત્યાં પુણ્યનું ભાથું મેળવવા માટે તેમાં અવશ્ય ભાગ લેવો જોઈએ, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણીમાં પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ આછવણીના પ્રમુખ બીપીનભાઈ પરમાર, મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, ખજાનચી અમિતભાઇ પટેલ, મંત્રી હેમંતભાઈ પટેલ, સહિત શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, કૃપાશંકર યાદવ, વિપુલભાઇ પંચાલ, ઝીકુભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ તેમજ ગુજરાત-મહારાષ્ટ્ર શિવપરિવાર, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન શિવનો અભિષેક, પૂજા તેમજ આરાધના કરી પ્રસન્નતા અનુભવી હતી.