દીપાવલી પર્વની જેમ લોકશાહીનું મહાપર્વ ઉત્સાહભેર મતદાન કરીને ઉજવીએ : સંતોએ કરી અપીલ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દીપાવલી પર્વની જેમ લોકશાહીનું મહાપર્વ ઉત્સાહભેર મતદાન કરીને ઉજવીએ તેવો અનુરોધ કરતા મહંતશ્રી ઇન્દ્રભારતી બાપુએ
તા.૭મી મેએ જ્ઞાતિ-જાતિથી ઉપર ઉઠી અચૂક મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આપણા એક મત થી શું ફેર પડે ? પરંતુ તેવું ન માનતા ઇતિહાસ સાક્ષી છે કે, એક મતે ઘણા ઉચ્ચ પદાધિકારીઓ હાર્યા છે, ત્યારે લોકશાહીમાં જે મતાધિકાર મળ્યો છે, તેનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. એક સારા નેતા પસંદ કરવાનો હક મતાધિકાર દ્વારા તક પ્રાપ્ત થાય છે, ત્યારે સાધુ સંતો પણ લોકશાહીમાં મળેલા અધિકારને અદા કરવાના છીએ. ત્યારે નાગરિકો પણ તા.૭મીએ બુથ ઉપર જઈ અચૂક મતદાન કરે. તેવો અનુરોધ શ્રી ઇન્દ્રભારતી બાપુએ કર્યો હતો.
તેમજ ગોરક્ષનાથ આશ્રમના મહંતશ્રી શેરનાથ બાપુએ પણ તા.૭મી મેએ સાથે મળી અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમણે નાગરિકોને પોતાનો કીમતી અને અમૂલ્ય મત આપવો જરૂરી ગણાવતા કહ્યું કે, યોગ્ય જન પ્રતિનિધિની નિયુક્તિ માટે મત આપવો જરૂરી છે. ત્યારે કોઈપણ વંશ, જાતિ ધર્મને ધ્યાને રાખ્યા વગર અચૂક મતદાન કરીએ. તેવો અનુરોધ મહંતશ્રી શેરનાથ બાપુએ કર્યો છે.





