
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
વન સેતુ ચેતના યાત્રાનું આજ રોજ માનગઢ હીલ ખાતે મંત્રીઓને ઉપસ્થિતિમાં ઢોલ, નગારા અને નૃત્ય સાથે ભવ્ય સ્વાગત
મહીસાગર જિલ્લામાં આવેલા તમામ ધાર્મિક સ્થળો પર જનતાને સ્વચ્છતા જાળવવા અપીલ કરતાં મંત્રી મુકેશભાઇ પટેલ
સમગ્ર રાજ્યમાં પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લા ખાતેથી કરાવ્યો હતો. આ યાત્રા તેના ચોથા દિવસે મહીસાગર જિલ્લાના માનગઢ હીલ ખાતે આવતા આદિવાસી ઢોલ, નગારા, નૃત્ય અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. આ યાત્રામાં આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજય મંત્રી મુકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજય મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય વન વિભાગના કર્મચારીઓ અને આદીવાસીઓનું વન સાથે નાતો જોડી રાખવાનો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજ માટે અનેક કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે.
આપણી સરકાર લોકોની સમક્ષ જઈ લોકો સાથે મળીને કામ કરી રહી છે. જેનું સફળ ઉદાહરણ જનમન કાર્યક્રમ છે. જેમાં 24000 કરોડ જેટલી માતબર રકમનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી વીજળી, ઘર, શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તાઓ સહિત તમામ પાયાની સુવિધાઓ આપવાનું ભગીરથ કામ સરકારે કર્યુ છે.
આ તબક્કે તેમણે ઉમેયું હતું કે, સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન દ્વારા ગત 14થી આગામી 22મી જાન્યુઆરી સુધી તમામ તિર્થ – સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશરૂપે ઉપાડી છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ સૌ કોઇને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા મંત્રીએ અપીલ કરી હતી.
મંત્રીએ ઉમેર્યું હતું કે, શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે. 500 વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોઇ ત્યારે આગામી 22મીએ આપણા ઘરોમાં તોરણ, રંગોળી અને દીવા કરી દીવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે, એમ ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા કહ્યું હતું , દેશના વડાપ્રધાને આદિવાસી સમુદાયની કદર કરી સંસ્કૃતિનું જતન કરવાનું ભગીરથ કામ કર્યું છે. સમગ્ર ભારત આજે રામમય બની ઉત્સવની તૈયારીઓ કરી રહ્યુ છે. રામરાજ્યની હવે તૈયારીઓ આરંભી દેવાની છે. રામરાજયની જેમ આપણા સરકારનો પારદર્શી વહીવટ, તેની યોજના અને નિતિઓ તમામ વર્ગ સુધી પહોચાડી છે. આદીવાસીઓની ખાસ ચિંતા કરી વનબંધુ યોજના, ગુજરાત પેર્ટન,આદીજાતી વિભાગની યોજનાઓ અમલમાં મૂકી છે. જંગલ, જળ અને જમીન સાચવાનું કામ આપણી સરકારે કરી છે.