JETPURRAJKOT

‘વિશ્વ કેન્સર દિવસ’’ ગત વર્ષે સૌરાષ્ટ્રના ૫૦૦૦ જેટલા દર્દીઓને અપાઇ કેન્સરની સારવાર શરીરની જાત તપાસ અને સ્ક્રીનીંગ એ જ શ્રેષ્ઠ ઉપાય

તા.૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

કેન્સર શબ્દ કોઈ પણ વ્યક્તિ માટે ભયાવહ છે. સમગ્ર વિશ્વમાં થતા કુલ મુત્યુઆંકમાં કેન્સરથી થતા મૃત્યુનું પ્રમાણ ખૂબ મોટું છે. આ સંદર્ભમાં દર વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ‘‘વિશ્વ કેન્સર દિવસ’’ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય કેન્સર અંગે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો અને ગુણવત્તાયુક્ત સંભાળ, સ્ક્રીનીંગ, વહેલી તપાસ, સારવાર વગેરે બાબતે આમ જનતામાં જાણકારી ફેલાવવાનો છે. આ વર્ષની વિશ્વ કેન્સર દિવસની થીમ છે-“કલોઝ ધ કેર ગેપ”, જે કેન્સરની સંભાળમાં જોવા મળતી અસમાનતાઓને સમજી તેને દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા વિશે છે. Who દ્વારા આ જાન્યુઆરી માસને સર્વાઇકલ કેન્સરની જાગૃતિના માસ તરીકે ઉજવવામાં આવ્યો છે.

માનવ જાતિ ૧૦૦ થી વધુ વિવિધ પ્રકારના કેન્સરથી પીડિત છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (ICMR)ના અહેવાલ અનુસાર વર્ષ-૨૦૨૦માં ભારતમાં કેન્સરના કેસોની અંદાજિત સંખ્યા ૧૩ લાખ ૯૨ હજારની, ૨૦૨૧મા ૧૪ લાખ ૨૬ હજારની જયારે ૨૦૨૨માં ૧૪ લાખ ૬૧ હજારથી વધુની હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને કેન્સર થઇ શકે છે. પુરુષોને ફેફસાંનું અને સ્ત્રીઓને સ્તન કેન્સર થવાની શકયતાઓ વધુ હોય છે. જયારે ૦-૧૪ વર્ષના બાળકોમાં લિમ્ફોઇડ લ્યુકેમિયાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળેલ છે. ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૫માં કેન્સરના કેસોમાં ૧૨.૮ ટકાનો વધારો થવાનો અંદાજ છે. ૨૦૨૦માં ભારતમાં કેન્સરને કારણે અંદાજિત મૃત્યુદર ૭,૭૦,૨૩૦ હતો અને તે ૨૦૨૧માં વધીને ૭,૮૯,૨૦૨ અને ૨૦૨૨માં ૮,૦૮,૫૫૮ થયો હતો. આ સ્થિતિ જોતાં કેન્સરમાં વહેલું નિદાન એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

સૌરાષ્ટ્રમાં કેન્સર રોગના ઉપચાર માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ અને રાજકોટ કેન્સર હોસ્પિટલમાં વ કાર્યરત છે, જયાં વર્ષ ૨૦૨૨માં ૫૦૦૦ જેટલા દર્દીઓએ કેન્સરની સારવાર મેળવી હતી. પુરુષોમાં મોઢા, ફેફસા અને અન્નનળીના કેન્સરના અને સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરના કેસોનું વધુ પ્રમાણ જોવા મળ્યું છે. રાજકોટ કેન્સર હોસ્પિટલના ડો.ગુપ્તા જણાવે છે કે મોઢાના કેન્સરના ૮૫% દર્દીઓ કોઈને કોઈ રીતે તમાકુનું સેવન કરતા હતા.

સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટના ડો. મીના શાહ તથા ડો. સમીપ પાનસોરા જણાવે છે કે, કેન્સરના દર્દીઓમાં પૈકીના મોટા ભાગના દર્દીઓ બીજા કે ત્રીજા સ્ટેજ દરમિયાન સારવાર માટે પહોંચે છે, ત્યારે સારવાર દ્વારા રીકવરીની શકયતા ખૂબ ઘટી જાય છે. દર્દીઓ જો તેમના શરીરની જાત તપાસ કરતા રહે અને જરા પણ શંકા જેવું લાગે તો તરત જ કેન્સર અંગેની તપાસ કરાવી વહેલી તકે નિદાન મેળવે તો કેન્સરને પ્રારંભિક તબક્કામાં જ અટકાવી શકાય છે.

કેન્સરથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય કેન્સરની વહેલી તપાસ કરાવવી એ જ છે. જેના દ્વારા કેન્સરને વહેલી તકે ઓળખી કેન્સરના જીવલેણ કોષોને શરીરના અન્ય ભાગોમાં ફેલાતા અટકાવી શકાય છે.

કેન્સરના પ્રારંભિક લક્ષણો જો દેખાય તો તુરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જેમ મોઢામાં જોવા મળતા કોઇ પણ પ્રકારના ચાંદા અને મોઢું સરખું ન ખુલવાના કિસ્સામાં કેન્સરની શકયતાનો વિચાર કરી તાત્કાલિક કેન્સર અંગેના પરીક્ષણો કરાવવા જોઇએ. જયારે મહિલાઓએ નિયત સમયાંતરે હથેળી દ્વારા સ્તનની જાત તપાસ કરી કોઈ પણ પ્રકારની ગાંઠ જણાય તો તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરી નિદાન કરાવી લેવું જોઇએ. ૩૦ વર્ષ બાદ પ્રત્યેક મહિલાઓએ વર્ષે એકવાર મેમોગ્રાફી દ્વારા તપાસ કરાવવી જ જોઇએ.

ડોક્ટર ગુપ્તા જણાવે છે કે, રાજકોટ કેન્સર હોસ્પિટલમાં જ કુંડારીયા કેન્સર પ્રીવેન્શન ફાઉન્ડેશન દ્વારા ગર્ભાશયના મુખના કેન્સરની પ્રતિરોધક રસી પણ આપવામાં આવે છે. હાલ સુધીમાં ૩૦૦૦ જેટલી કિશોરીઓને આ રસી આપવામાં આવી છે. ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે નવ વર્ષથી લઈ ૨૬ વર્ષ સુધીની વય જૂથની મહિલાઓને વેક્સિન આપી શકાય છે. જેમાં ૯ થી ૧૪ વર્ષ સુધીની કિશોરીઓને વેક્સિનના બે ડોઝ તેમજ ૧૫ થી ૨૬ વર્ષની કિશોરીઓ/યુવતીઓને વેકસીનના ત્રણ ડોઝ આપવામાં આવે છે. આ વેક્સિનથી સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા ૯૯ પ્રતિશત ઘટી જાય છે.

કેન્સર જાહેર થવાની બીકને લીધે જ ઘણા લોકો કેન્સર સ્ક્રીનીંગ કરાવવામાં અચકાતા હોય છે. લોકો પોતાની બીમારીને સ્વીકારવા કરતાં અજાણ્યા રહેવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આ અજ્ઞાનથી રોગ દૂર થવાને બદલે વકરે છે. સમસ્યાનો ઉકેલ લાવવાનો એક માત્ર રસ્તો એ છે કે શરીરમાંથી રોગને દૂર કરવાના પ્રયાસો કરવા.

રાજકોટ ખાતે કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વેકરીયા ફાઉન્ડેશન, ગ્રીવા ફાઉન્ડેશન, કુંડારીયા ફાઉન્ડેશન જેવા અનેક સેવાકીય સંસ્થાઓ સતત પ્રયત્નશીલ રહી કેન્સર સામે લોકજાગૃતિ કેળવવાના કાર્યક્રમો યોજે૦ છે. ગ્રીવા ફાઉન્ડેશન દ્વારા ‘‘વિશ્વ કેન્સર દિવસ’’ નિમિત્તે રૈયા રોડ સ્થિત સી.એ.ભવન ખાતે કેન્સર અંગે જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ ઉપરાંત વેકરીયા ફાઉન્ડેશન દ્વારા પણ બ્રેસ્ટ કેન્સર માટે સ્ત્રીઓને સમજ આપી મેમોગ્રાફીની સહાય પણ કરવામાં આવે છે.

કેન્સરનું સર્ઝન કરતી કોઇ પણ સ્થિતિનો સ્વીકાર કરી તેનું નિવારણ કરવાથી શરૂઆતના તબક્કામાં જ કેન્સર શરીરમાંથી દૂર કરી શકાય છે. રાજકોટ ખાતે કોઈ પણ વ્યક્તિ કેન્સરનું પ્રારંભિક નિદાન યુનિવર્સિટી રોડ, બી.ટી.સવાણી હોસ્પિટલ પાસે, સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નિર્મલા કોન્વેન્ટ રોડ સ્થિત રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે કરાવી શકશે.

[wptube id="1252022"]
Back to top button