JETPURRAJKOT

સહાયક માહિતી નિયામક, રાજકોટના અધ્યક્ષ સ્થાને ગારીડા, બામણબોર અને ગુંદાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

તા.૧૨ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મહાનુભાવો દ્રારા સ્માર્ટ કલાસ ખુલ્લો મુકાયો: વૃક્ષારોપણ કરી, સમીક્ષા બેઠક યોજાઈ

સમગ્ર રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ તાલુકાના ગારીડા, બામણબોર અને ગુંદાળા શાળાઓ ખાતે સહાયક માહિતી નિયામકશ્રી રાજકોટ પ્રિયંકાબેન પરમાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવી ભૂલકાઓને શાળા તરફ પા પા પગલી કરાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં અધિકારીશ્રીએ બાળકોને પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રયાસના મંત્રને યાદ રાખી જીવનમાં આગળ વધવા આહવાન કર્યું હતું તેમજ ગારીડા શાળા ખાતે સ્માર્ટ કલાસને ખુલ્લો મૂક્યો હતો. અધ્યક્ષશ્રી દ્વારા ૭૪ બાળકોને બાલવાટિકા અને ધો.૧મા શાળાઓ ખાતે બાળકોને મીઠું મોઢું કરાવી તેમજ શિક્ષણની કીટ એનાયત કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો સાથે જ એક થી આઠ ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા બેટી બચાવો, વૃક્ષારોપણ અને પાણી બચાવો જેવા વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. મહાનુભાવશ્રીઓ પ્રિયંકાબેન પરમાર, હિરેનભાઇ ભટ્ટ તથા ડો. એમ. એસ. અલીના હસ્તે દાતાશ્રીઓને સન્માનિત કરાયા હતા.

આમંત્રિતોના હસ્તે શાળાઓ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા શાળાના સર્વે આચાર્યો, એસ.એમ.સી. કમિટી સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં શાળા ખાતે સેનિટેશન, સરકારશ્રીની યોજનાલક્ષી માહિતીનો ગ્રામ્ય કક્ષાએ પ્રચાર પ્રસાર વધે, બાળકોના આધાર ખાતા સાથે લિંકઅપ, બાળકોના નામાંકન, આરોગ્ય ચકાસણી વગેરે બાબતે ચર્ચા કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ તકે ગારીડા અને બામણબોર ગામના સરપંચશ્રીઓ, ગામના આગેવાનો,દાતાશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button